ઝાકળની જો જાત બળે તો એમ કહો ભાઈ, સૂરજ છે,
આંખોમાંથી રાત સરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
પાંપણને પિયર સમજીને મોજ કરે સપનાંઓ પણ,
સાસરિયાનો સાદ પડે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
દીપ, આરતી, ઘંટારવ ને કુર્કટના પોકાર થકી,
માળાનું એકાંત ખરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
પર્વતને માથે મૂકેલા બર્ફ તણાં બેડાંમાંથી,
મેઘધનુષી ધાર વહે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
ધૂળ બનેલી પડછાયાની હસ્તી ઢળતી સાંજ સમે,
એ જ ફરીથી પ્હાડ બને તો એમ કહો ભાઈ, સૂરજ છે.
મુશ્કેલીની આંધીઓમાં જાત ડૂબેલી હોય અને,
વાંસે માનો હાથ ફરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
‘ચાતક’ની કિસ્મતમાં હરદમ ઈંતજારની રાતો છે,
પગરવ આવી સાદ કરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ , સાવ સહજપણે અસરકારક મજાની રદીફ…!! અને એટલી જ તેની નિભાવણી..
મત્લાથી મક્તા સુધી સાંગોપાંગ યથાર્થ ગઝલ…!!
મુશ્કેલીની આંધીઓમાં જાત ડૂબેલી હોય અને,
વાંસે માનો હાથ ફરે તો એમ કહો ભાઈ, સૂરજ છે……
વાહ વાહ દક્ષેશભાઇ… મારા વ્હાલા… જબરો રદીફ લાવ્યા….અભિનંદન
લાંબા રદીફની સુંદર ગઝલ !
અભિનંદન દક્ષેશભાઈ !
સરસ થઈ છે ગઝલ એનાં સામાજિકરણ સ્વર(ટોન)માં.
પર્વતને માથે મૂકેલા બર્ફ તણાં બેડાંમાંથી,
મેઘધનુષી ધાર વહે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
લાંબી રદીફમાં કહેવાયેલી સુંદર ગઝલ.હવે ગઝલોમાં સ્વપણું આપમેળે નીખરતું જાય છે
ઝાકળની જો જાત બળે તો એમ કહો ભાઈ, સૂરજ છે,
આંખોમાંથી રાત સરે તો એમ કહો ભાઈ, સૂરજ છે.
રદિફ અચ્છા હૈ…
સૂરજ છે…..
મજાની ગઝલ….