Press "Enter" to skip to content

કારણ પૂછો નહીં


[audio:/chatak/kaaran-puccho-nahi.mp3|titles=Kaaran Puccho Nahi|artists=Chatak]
(ગણગણાટ – ચાતક)

કોઈને ચાહવાના કારણ પૂછો નહીં,
આંસુને આવવાના કારણ પૂછો નહીં.

પ્રકરણ લખેલ પ્રેમનાં દિલની કિતાબમાં,
ભૂંસીને વાંચવાના કારણ પૂછો નહીં.

એના મિલનની ઝંખના મૃગજળ બની હશે,
રણને તરી જવાના કારણ પૂછો નહીં.

સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો,
જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં.

પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં,
આંખોથી વરસવાના કારણ પૂછો નહીં.

મંઝિલ મળી ગયા પછી રસ્તો ભૂલાય ના,
પૂછીને ચાલવાના કારણ પૂછો નહીં.

કોઈના ઈંતજારમાં કેવી મજા હતી,
‘ચાતક’ થઈ જવાના કારણ પૂછો નહીં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Raju Kotak
    Raju Kotak April 22, 2012

    અંતરથી ઘુંટાય શબ્દો નીકળે દક્ષેશના,
    આવું સરસ કેમ લખાય છે, કારણ પૂછો નહી.

    ખુબ જ સુંદર…….દિલ સે..નિકલ કર દિલ કો છુ ગઈ.

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' April 7, 2012

    ખુબસુરત ગઝલ …!!
    એના મિલનની ઝંખના મૃગજળ બની હશે,
    રણને તરી જવાના કારણ પૂછો નહીં.
    પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં,
    આંખોથી વરસવાના કારણ પૂછો નહીં.

  3. Urvashi Parekh
    Urvashi Parekh March 30, 2012

    સરસ,
    સપનાની લાશ ને તમે ઉંચકીને જોઇ લો,
    પીડાઓ વાંઝણી કદી મળતી નથી અહીં.
    સરસ.

  4. Daxesh Contractor
    Daxesh Contractor March 26, 2012

    સાહિર લુધિયાનવી સાહેબની સદાબહાર રચના – મિલતી હૈ જિન્દગી મેં મુહોબ્બત કભી કભી – http://www.youtube.com/watch?v=j1oOoF-e6qo … એ સાંભળતા આ ગઝલ લખાયેલ. એ જ ઢાળમાં એને મનોમન ગણગણવાની મજા પડશે ..

  5. Daxesh Contractor
    Daxesh Contractor March 26, 2012

    મહેશભાઈ,
    આ – દક્ષેશી ગઝલ – નવા વિશેષણ બદલ આભાર ..

  6. ચોટદાર…હ્રદયસ્પર્શી…મસ્ત….અફલાતુન…દક્ષેશી ગઝલ…!

  7. Pancham Shukla
    Pancham Shukla March 23, 2012

    બધા જ શેર આસ્વાદ્ય લાગ્યા. સરસ ગઝલ.

  8. સપનાંની લાશને તમે ઉંચકીને જોઈ લો,
    જીવનથી થાકવાનાં કારણ પૂછો નહીં.

    ક્યા બાત હૈ….

  9. Girija Joshi Desai
    Girija Joshi Desai March 20, 2012

    આ ગઝલનો મક્તા ખુબ સહેજ અને ચોટદાર છે…

  10. Girija Joshi Desai
    Girija Joshi Desai March 20, 2012

    તમારી ગઝલોમાં વજન દિવસો-દિવસ વધતું જાય છે… ખુબ મજા આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.