કમનસીબી આંખની કે બ્હારથી પાછાં ગયા,
સ્વપ્ન સોનેરી જીવનના ભારથી પાછાં ગયાં.
જિંદગી ખંડેર જેવી જર્જરિત ન્હોતી છતાં,
ભાગ્યના હાથોય જીર્ણોધ્ધારથી પાછાં ગયાં.
એ જ અવઢવમાં હજી પણ આંખ મીંચાતી નથી,
આપનાં પગલાં હશે, જે દ્વારથી પાછાં ગયા.
આપને જોયા હશે એણે કિનારા પર ઊભા,
એટલે સૌ કાફલા મઝધારથી પાછાં ગયા.
શ્વાસના અશ્વોની જેવી હણહણાટી બંધ થઈ,
રથ ત્યજી, પળવારમાં સૌ સારથી પાછાં ગયા.
જિંદગી ‘ચાતક’ સકળ વીતી જતે ઊપર જતાં,
ખુશનસીબી કે પતનની ધારથી પાછાં ગયા.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વિવેકભાઈ,
લખતી વખતે ભાવ તો એવો જ હતો કે પ્રિયતમાને કિનારે જોઈને મઝધાર પહોંચેલા કાફલા પાછા એને મળવા કિનારા પર આવે …પણ તમે આ પ્રશ્ન કર્યો એથી – પાછાં ગયા – નો નવો અર્થ, કિનારાથી દૂર – દરિયામાં વધુ ઊંડે ગયાં એવો પણ નીકળ્યો .. આ જ પંક્તિ આવો વિનોદયુક્ત ભાવાર્થ પણ નીપજાવશે એ લખતી વખતે વિચારેલું નહીં … સરસ satire 🙂 .. અને આપની સૂક્ષ્મ દૃષ્ટિને સલામ ..
સરસ ગઝલ.
સુંદર ગઝલ…
પ્રિયતમાને કિનારે ઊભેલી જોઈને પ્રેમી મઝધારથી પાછો ગયો? દરિયામાં વધુ ઊંડે? કે કિનારા પર પાછો વળ્યો?
જિંદગી ખંડેર જેવી જર્જરિત ન્હોતી છતાં,
ભાગ્યના હાથોય જીર્ણોધ્ધારથી પાછાં ગયાં.
એ જ અવઢવમાં હજી પણ આંખ મીંચાતી નથી,
આપનાં પગલાં હશે, જે દ્વારથી પાછાં ગયા.
શ્વાસના અશ્વોની જેવી હણહણાટી બંધ થઈ,
રથ ત્યજી, પળવારમાં સૌ સારથી પાછાં ગયા.
શ્વાસના અશ્વોની જેવી હણહણાટી બંધ થઈ,
રથ ત્યજી, પળવારમાં સૌ સારથી પાછાં ગયા.
જોરદાર રદીફ છે.
વાહ ! સુંદર શેર ! વિશેષ ગમ્યો !
આપને જોયા હશે એણે કિનારા પર ઊભા,
એટલે સૌ કાફલા મઝધારથી પાછાં ગયા.
ખુબ નાજુક અભિવ્યક્તિ, માણવાલાયક ગઝલ………