Press "Enter" to skip to content

લાગ શોધે છે

ચાંદનીમાં ચાંદ કેરા દાગ શોધે છે !
રાખમાં એ આગના સુરાગ શોધે છે !

મદભરી મોસમ મળેલી માણવા માટે,
કોયલોની કૂક-માં એ રાગ શોધે છે !

જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ
એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે !

માતપિતાને રડાવી જિંદગી આખી,
શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે !

બે ઘડી નિરાંતની માણી નથી શકતો
જંગલોમાં, એ જઈને સાગ શોધે છે !

કોણ કરશે તૃપ્ત એની ઝંખના ‘ચાતક’,
કોયલામાં જે હીરાની ઝાગ શોધે છે !

રાહ જોવાનું મુકદ્દરમાં લખ્યું ‘ચાતક’,
કેમ રણથી ભાગવાના લાગ શોધે છે !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Himanshu Patel
    Himanshu Patel January 10, 2012

    આપણી તકવાદી કે પલાયન વૃત્તીને વાચા આપતી સરસ ગઝલ વાંચવા મળી,આ વધારે ગમ્યું-
    માતપિતાને રડાવી જિંદગી આખી,
    શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે.
    ……કેટલી સરળતાથી સંબંધોને વક્રતામા વણી આપ્યા છે.
    ગમી ગઝલ અને તેનો સૂર.

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' January 10, 2012

    જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ
    એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે !

    માતપિતાને રડાવી જિંદગી આખી,
    શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે ! વાહ..કવિ..!!
    આમ તો આખી ગઝલ સુન્દર પણ ઉપરના વધુ ચોટદાર લાગ્યા..

  3. P Shah
    P Shah January 10, 2012

    રાખમાં એ આગના સુરાગ શોધે છે !…

    સરસ !

  4. Narendra Jagtap
    Narendra Jagtap January 10, 2012

    જર-જમી-ઝેવર સુધી તો ઠીક છે, કિન્તુ
    એ તો ‘મા’ની ગોદમાંયે ભાગ શોધે છે !

    માતપિતાને રડાવી જિંદગી આખી,
    શ્રાધ્ધના દિને પછીથી કાગ શોધે છે !…..ખુબ જ સરસ મઝાની ગઝલ દક્ષેશભાઇ…

  5. Karasan Bhakta, USA
    Karasan Bhakta, USA January 10, 2012

    માનવીની વર્તમાન વૃત્તિ. વ્યવહાર અને વર્તનને વાચા આપતી રચના.
    …માની ગોદમાયે ભાગ શોધે છે અને…શ્રાધ્ધના દિને કાગ શોધે છે.
    વાહ ! વાહ ! ખુબ જ સુન્દર ! ! !

  6. Kishore Modi
    Kishore Modi January 10, 2012

    નવી રદીફ-કાફિયામાં એક વધુ સુંદર ગઝલ.

  7. Pragnaju
    Pragnaju January 10, 2012

    સામાન્ય વ્યક્તીઓની પલાયનવૃતિની સુંદર અભિવ્યક્તી
    સ રસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
    મદભરી મોસમ મળેલી માણવા માટે,
    કોયલોની કૂક-માં એ રાગ શોધે છે !
    યાદ
    કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં
    સુના સરવર ને સૂનુ આમ્બલિયું
    એના પાંદડે પાંદડા રડી રે રહ્યાં

    આયખું વેઠીને પાન પીળું રે થયું
    માડીની આંખોમાં આન્સુ ના રહ્યું
    વનનુ પિયરીયું સૂનુ રે પડ્યું
    એના ટહુકા હવે ના જડી રે રહ્યાં

  8. Manvant Patel
    Manvant Patel January 12, 2012

    ઉપર લખેલું પ્રગ્નાજુનું ગીત ખુબ અસરકારક છે.

  9. Sudhir Patel
    Sudhir Patel January 15, 2012

    બે મક્તા વાળી સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.