Press "Enter" to skip to content

ખાનગી ગણતા નથી

સુખ ભલે અવસર, પરંતુ ખાનગી ગણતા નથી !
આવનારાં દુઃખ જીવનમાં કાયમી ગણતા નથી !

સુખ ને દુઃખ – બંનેય કિસ્સામાં વહે છે આંખથી,
આમ વહેતું જળ મળે તો લાગણી ગણતા નથી !

એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !

નીંદ ને સુખચેન જાયે, ના મળે જેની દવા,
પ્રેમમાં કોઈ પડે તો માંદગી ગણતા નથી !

ચાંદ-તારા તોડવાની વાત એ કરતા રહે,
પ્રિયતમની કોઈ વાતો માંગણી ગણતા નથી !

કેટલું ચીતરી ગયા મારી હથેળીમાં ભલા,
ના મળે જેમાં હિસાબો, ડાયરી ગણતા નથી !

એમના હોઠે અમારા હોઠને સ્પર્શી કહ્યું,
સાંભળે ના લોક જેને, શાયરી ગણતા નથી !

એટલે ‘ચાતક’ ખુમારી આજ પણ અકબંધ છે,
જિંદગીના કોઈ દા’ડા આખરી ગણતા નથી !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

9 Comments

  1. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) January 12, 2012

    એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
    કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !
    દક્ષેશભાઈ ક્માલ ની કલ્પના..ખુબ સુન્દર ગઝલ…મજા પડી ગઈ.!!

  2. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) January 12, 2012

    અતિસુન્દર ગઝલ ..બધા શેર ખુબ જ સ-રસ..મજા આવી ગઈ દક્ષેશભાઈ..!! અજબ ગજબ ની કલ્પના અરે..કમાલની કલ્પના…
    એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
    કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !
    કેવા હોય છે સગપણ કે…!!!
    યાદ આવી મારી કવિતા…
    ઉપકારનો સોળ પાડી ને જખમને જીવતું રાખે છે,
    માંગી જાન લઈ લે તોય નિશાન ન છોડે છે…!
    આપ મારા બ્લોગ પર જરુર પધારશો ને પ્રોત્સાહન આપશો તેવી આશા રાખું છું.
    Please visit my blog and add your most valuable comments.
    http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com

  3. Sudhir Patel
    Sudhir Patel January 7, 2012

    ખૂબ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. P Shah
    P Shah January 6, 2012

    સુંદર રચના !
    સુખ ને દુઃખ – બંનેય કિસ્સામાં વહે છે આંખથી….
    સાચી વાત કહી.

  5. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' January 6, 2012

    સારી ગઝલ, પંચમભાઇએ કહ્યા મુજબ અઘરી રદિફને સારી નિભાવી છે, જો કે કેટલાક શે’ર માં સરખામણીએ ઓછી મજા આવી…
    આ ઉલ્લેખનીય,
    એક દૃષ્ટિથી જ ઘાયલ એમણે કીધું હૃદય,
    કોઈ આંખોથી હણે તો પારધી ગણતા નથી !

  6. Himanshu Patel
    Himanshu Patel January 6, 2012

    એમના હોઠે અમારા હોઠને સ્પર્શી કહ્યું,
    સાંભળે ના લોક જેને, શાયરી ગણતા નથી !
    ભાષાનુ મૌન અને મૌનની ભાષાના સ્વરની વાત ખુબ સહજતાથી આવી છે. વાહ…

  7. Karasan Bhakta, USA
    Karasan Bhakta, USA January 6, 2012

    શુ કમાલની ક્લ્પના કરો છો, વધુ એક સુન્દર રચનાની મઝા માણી.

  8. Pancham Shukla
    Pancham Shukla January 6, 2012

    ગણતા નથી ! જેવા મુશ્કેલ રદીફને કાફિયાઓના વૈવિધ્યથી સરસ રીતે નિભાવ્યો છે.

  9. Pragnaju
    Pragnaju January 6, 2012

    સુંદર રચના
    આ શેર વધુ ગમ્યો
    ચાંદ-તારા તોડવાની વાત એ કરતા રહે,
    પ્રિયતમની કોઈ વાતો માંગણી ગણતા નથી !

    કેટલું ચીતરી ગયા મારી હથેળીમાં ભલા,
    ના મળે જેમાં હિસાબો, ડાયરી ગણતા નથી !
    चलो दिलदार चलो चाँद के पार चलो, हम है तैयार चलो —

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.