Press "Enter" to skip to content

પગરવ કરી જુઓ

નોંધ – મિત્રો, મીતિક્ષા.કોમ પર પ્રસિદ્ધ થનાર આ પ૦૦મી પોસ્ટ છે. (અને યોગાનુયોગ મારી અહીં પ્રસિદ્ધ થનાર ૧૦૦મી ગઝલ છે.) જુલાઈ ૨૦૦૮માં આ વેબસાઈટ ખુલ્લી મુકી ત્યારે આ મુકામ સુધી પહોંચાશે એવી કલ્પના ન હતી. આ બ્લોગે ન કેવળ મારા સાહિત્યરસને ઉજાગર કર્યો પરંતુ મને મારી સાથે ઓળખાણ કરાવીને મારી ભીતર વહેતા સંવેદનોને ઝીલવાની તક આપી છે. માતૃભૂમિથી હજારો માઈલ દૂર ગયા પછી માતૃભાષાનું આકર્ષણ સમજાય છે. સાડા-ત્રણ વરસની સફરમાં સાત લાખથી વધુ પાનાં અને એક લાખ ચાલીશ હજારથી વધુ મુલાકાતીઓના આંકે મારા જેવા અનેકના સાહિત્યપ્રેમને છતો કર્યો છે. એ માટે આપ સર્વે સાહિત્યરસિક મિત્રોને દિલથી સલામ. આશા છે, આપનો પ્રેમ આ રીતે મળતો રહેશે. અસ્તુ.
*****
બે-ચાર બૂંદને તમે સરવર કરી જુઓ,
ઘટના હશે તળાવ, પણ પર્વત કરી જુઓ.

દૃશ્યો ઉપર લગામ ક્યાં સંભવ છે દોસ્તો,
ક્યારેક આંખને તમે કરવત કરી જુઓ.

ભૂલી શકાય ના અહીં વીતી ગયો સમય,
બે-ચાર શ્વાસની ભલે કસરત કરી જુઓ.

ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.

‘ચાતક’ના ઈંતજારને મંઝિલ બતાવવા,
ખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

16 Comments

  1. Hitesh Rathod
    Hitesh Rathod July 2, 2022

    સાહિત્ય સફરમાં પાંચસોના માઈલસ્ટોને પહોંચવા બદલ અભિનંદન!
    બધા શેર અપ્રતિમ..
    “દૃશ્યો ઉપર લગામ ક્યાં સંભવ છે દોસ્તો,
    ક્યારેક આંખને તમે કરવત કરી જુઓ.” લાજવાબ!!

  2. Daxesh Contractor
    Daxesh Contractor December 18, 2011

    પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો દિલથી આભાર. આપ સહુના સ્નેહ-પ્રેમ-માર્ગદર્શન માટે આભાર શબ્દ પૂરતો નથી… તમારો પ્રેમ અને પ્રતિભાવ કલમને નવી તાકાત બક્ષે છે.
    @પંચમભાઈ, તમારી વાત સાચી છે. એક ગઝલ-સંગ્રહ બહાર પડે એટલી ગઝલ થઈ છે પણ હજુ પ્રસિદ્ધ કરવાની ઉતાવળ નથી. મને લાગે છે કે હજુ થોડો સમય રાહ જોવી જોઈએ. જેવી રીતે કુંભાર પોતાના ઘડાઓને નિભાડે મુકે અને પકાવે એ રીતે મારે પણ મારી રચનાઓને સમયના નિભાડામાં પકવવા મુકવી જોઈએ. એનાથી મને જ મારી ખામીઓ જડે અને રચનાઓ વધુ બહેતર થાય. આપની લાગણી બદલ ફરીથી આભાર..
    @ Rahul – Thank you for your wishes. I hope, I can live upto your expectations.

  3. Rahul
    Rahul December 16, 2011

    Congratulations Daxesh,
    I think this is still Tip of Iceburg, I belive you would come out with even better because as a freind we all know your potential.

    Thanks
    Rahul Amin

  4. Narendra Jagtap
    Narendra Jagtap December 16, 2011

    વાહ દક્ષેશભાઇ…મારા અંત:કરણના આપને અભિનંદન છે…. અને આ સાહિત્યીકસ્ત્રોત્ર સદાય આપના થકી પ્રસરતો રહે તેવી શુભ કામના…બસ આપના દીલે સદાયે માતૃપ્રેમ હરખાતો રહે …… આપને ફરીવાર ધન્યવાદ….

  5. Praful Thar
    Praful Thar December 16, 2011

    સૌ પ્રથમ ૫૦૦ મી પોસ્ટ બદલ અભિનંદન.
    ‘ચાતક’ના ઈંતજારને મંઝિલ બતાવવા,
    ખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.
    સુંદર શબ્દો.
    પ્રફુલ ઠાર

  6. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' December 16, 2011

    પ્રિય દક્ષેશભાઇ,
    અંતરના અભિનંદન, આ સફર ૫૦૦૦ સુધી પહોંચે એવી શુભેચ્છા..!!
    ખૂબ સુંદર ગઝલ થઈ છે..
    ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
    પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ…….બહોત ખૂબ..!!!!!!

  7. Devika Dhruva
    Devika Dhruva December 16, 2011

    કેટલું લખ્યું કરતા તમે જે quality વાળુ લખો છો, સાહિત્યિક સ્વરુપે લખી રહ્યા છો તે માટે અભિનંદન અને આ યાત્રા ચાલુ રહે તે માટેની શુભેચ્છા.

  8. Kishore Modi
    Kishore Modi December 16, 2011

    સરસ ગઝલ.

  9. Pragnaju
    Pragnaju December 16, 2011

    પ૦૦મી પોસ્ટના ધન્યવાદ
    તમારી સ રસ ગઝલો અને સુંદર રજુઆત આગળ એક લાખ ચાલીશ હજારથી વધુ મુલાકાતીઓના આંક ગૌણ છે. આ જ રીતે પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ
    આ મઝાની ગઝલના આ શેર
    ભૂલી શકાય ના અહીં વીતી ગયો સમય,
    બે-ચાર શ્વાસની ભલે કસરત કરી જુઓ.

    ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
    પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.
    …બહુ જ સુંદર

  10. Pancham Shukla
    Pancham Shukla December 16, 2011

    ૫૦૦મી પોસ્ટ માટે અભિનંદન.
    આ ઉપરાંત એક સંગ્રહ થાય એટલી પોતીકી રચનાઓ પણ થઈ હોવી જોઈએ. હવે એક સંગ્રહની અપેક્ષા અસ્થાને ન કહેવાય.

  11. Dinkar Bhatt
    Dinkar Bhatt December 15, 2011

    દક્ષેશ ભાઇ ૫૦૦ પોસ્ટ પુરા થયા માટે અભિનંદન, સાહિત્ય યાત્રા ચાલુ રહે તેવી શુભેચ્છા.

  12. મીતિક્ષા.કોમ પર ૫૦૦મી પોસ્ટ બદલ
    અધધધ…..અભિનંદન દક્ષેશભાઈ….
    પ્રસ્તુત ગઝલ પણ અન્ય ગઝલોની જેમ સુંદર રહી.
    બસ આમજ આપની કલમ અવિરત અને અસ્ખલિત ગઝલો વરસાવતી રહે એજ અભ્યર્થના.
    જય હો…

  13. Himanshu Patel
    Himanshu Patel December 15, 2011

    અભિનંદન એ યાત્રા માટે અને હવે એમાંથી ચયન કરી એક નવું પુદગલ રચી આપો.
    આ શેર વધારે ગમ્યો
    ગુજરી ગયેલ વૃક્ષનું તર્પણ થઈ જશે,
    પંખી થઈને ડાળ પર કલરવ કરી જુઓ.

  14. P Shah
    P Shah December 15, 2011

    ખામોશ આંગણે કદી પગરવ કરી જુઓ.
    સુંદર ગઝલ !
    ટૂંક સમયમાં પાંચસોમી પોસ્ટ માટે ખાસ અભિનંદન !

  15. Sunil Shah
    Sunil Shah December 15, 2011

    અભિનંદન મિત્ર…
    સુંદર ગઝલ.. બધા જ શેર ગમ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.