જુલ્મ જારી છે હજી, દસકંધરો* મરતાં નથી,
લાજ લૂંટી જેમણે સીતાતણી, ડરતાં નથી.
એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.
સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.
ભ્રષ્ટ નેતાથી થઈ જનતા બિચારી ત્રાહિમામ્,
ચૂસતાં ધન જેમનાં ખિસ્સા કદી ભરતાં નથી.
રામરાજ્ય અહીં મળે કેવળ ચુનાવી લ્હાણમાં,
દીનદુઃખીયાનાં કલેજાં જે થકી ઠરતાં નથી.
એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
(રચના – દશેરો, ૫ ઓક્ટોબર, ૨૦૧૧)
*દસકંધર- દશાનન, લંકેશ,રાવણ
બહુ સરસ ગઝલ….સરસ પ્રસઁગ વર્ણવ્યો…..વાહ વાહ
સરસ પ્રાસંગિક કૃતિ.
એ જ તો કારણ નથી ‘ચાતક’ કે મંદિરની ધજા
ફરફરે, ક્યાંયે તિરંગા આજ ફરફરતાં નથી ?
સરસ કટાક્ષનો દરેક શેરમા ઉપયોગ અને તે પણ રામરાજ્યનો સન્દર્ભ લૈ ને ! વાહ્..
હુઁ માનુઁ છુઁ કે કાફિયામાઁ અનુસ્વાર ન વાપર્યો હોત તો ચાલતે.
સામ્પ્રત સમયને અનુલક્ષી બહુ સરસ કટાક્ષ કર્યા છે.
સમયોચિત ગઝલ અને તેમાની વક્રોક્તિ નજરે ચઢી…
સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.
એ દુર્ગના કાઁગરા ખરવાની કોઇ જ આશા નથી.
સમય અને પ્રસંગને અનુરૂપ સુંદર ગઝલ.
એ સમયની છે બલિહારી કે લેતાં રામનું
નામ, જે પત્થર તર્યા’તાં, આજ એ તરતાં નથી.
સત્ય, નીતિ, ન્યાયના હથિયાર સહુ હેઠા પડે,
છે અજાયબ દુર્ગ જેનાં કાંગરા ખરતાં નથી.
સરસ