(Photo taken @ Hilo, The Big Island, Hawaii)
એક આદમી રસ્તામાં હરરોજ મળે છે બિલ્લીને,
વાત વહે છે જંગલમાં કે કો’ક નડે છે બિલ્લીને.
માર્ગ બદલવાથી થાતો ના લેશ મુસીબતથી છુટકાર,
ભયની ભૂતાવળ જીવનમાં રોજ છળે છે બિલ્લીને.
પૂર્વગ્રહોથી મોટા કોઈ ગ્રહ-નક્ષત્ર નથી, યારો,
ભીતરમાં પેઠેલા સો-સો વ્હેમ અડે છે બિલ્લીને.
જોષીની વાતોને સાચી કોઈ નહીં માને, કારણ
જોષી કે’ છે, રાહુ આવી રોજ ગળે છે બિલ્લીને !
બાળક થઈને જેની પીઠે પસવારેલા હાથ હજાર,
એ જ આદમી મોટો થઈને આજ લડે છે બિલ્લીને !
દીન બાળની કિસ્મતમાં ના છાંટો એક ભલે ‘ચાતક’,
ભાગ્ય બડા બલવાન અહીં કે દૂધ મળે છે બિલ્લીને.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ છે બિલ્લી ગઝલ.
સુંદર કાવ્ય માણવાનું મળ્યું.
નવી રદીફમાં વહી જતી સરળ ગઝલ.
આપણી પરંપરાગત માન્યતાને અને તેથી આવેલા મુલ્યને ફેરવી- તોળતી ગઝલ ભાવી.
મઝા પડી દોસ્ત..
સુન્દર કલ્પનાસભર અને રદીફ્ની તાજગીભરી ગઝલ બદલ અભિનન્દન.
સ રસ
પૂર્વગ્રહોથી મોટા કોઈ ગ્રહ-નક્ષત્ર નથી, યારો,
ભીતરમાં પેઠેલા સો-સો વ્હેમ અડે છે બિલ્લીને.
જોષીની વાતોને સાચી કોઈ નહીં માને, કારણ
જોષી કે’ છે, રાહુ આવી રોજ ગળે છે બિલ્લીને !
વાહ્
કુંડળીનો શાપિતગ્રહ આપણી જન્મકુંડળીમાં તો નવગ્રહનું જ સામ્રાજ્ય ચાલતું હોય છે. પણ મન-કુંડળીમાં માત્ર એક જ ગ્રહ એવો છે જે પેલા નવેનવ ગ્રહ કરતાંયે વધુ નડે છે, તે છે પૂર્વગ્રહ. આ ગ્રહ આપણા સંબંધ-સુખને એવું તો કનડતો હોય છે કે એની ચાલમાં સપડાયેલું મન ખોટી ગેરસમજો કરી બેસે જેનાથી સંબંધોમાં કડવાશ ફેલાઈ જાય છે. કોઈ વસ્તુ, બનાવ કે વ્યક્તિ માટે આપણે સાંભળેલી, વાંચેલી હકીકતોને ચકાસ્યા વગર જ એક અભિપ્રાય કે મત બાંધી લઈએ છીએ. ધીરે ધીરે એ પૂર્વગ્રહમાં પલટાઈ જાય છે. અને આવા અનેક બાબતોના પૂર્વગ્રહો પછી કુંડળીના ગ્રહો કરતાંયે ખતરનાક પરિણામો લાવી મૂકતા હોય છે
સાવ નવી વિભાવનાની ગઝલ…ગમી,
બાળક થઈને જેની પીઠે પસવારેલા હાથ હજાર,
એ જ આદમી મોટો થઈને આજ લડે છે બિલ્લીને ! વાહ્,,,!!
બિલાડી વિશેના વ્હેમ પર સરસ વ્યંગ.
વ્હેમ, વ્યંગ, બિલ્લી બધું જ ગમ્યું.
નવિનતમ વિભાવનાની સુંદર ગઝલ !
સાવ સાચ્ચી વાત. આપણા આગ્રહો અને પૂર્વગ્રહો જેટલા નડે છે તેટલા બીજા કોઇ ગ્રહો નથી નડતા.
દીન બાળની કિસ્મતમાં ના છાંટો એક ભલે ‘ચાતક’,
ભાગ્ય બડા બલવાન અહીં કે દૂધ મળે છે બિલ્લીને.
શૂન્ય સાહેબની પ્રખ્યાત નઝમ
‘ દુધના માટે રોતા બાળક, રો તારા તકદીર ને રો’ યાદ આવી ગઈ
સરસ નવો વિષય માણવા મળ્યો…..