અભિનવ ગીતાજ્ઞાન !
નેકીના મારગમાં કો’દી ખાંચ નહીં આવે,
હોય ભરોસો ઈશ્વરનો તો આંચ નહીં આવે.
શુભ કર્મોનાં અનુષ્ઠાનથી જગ પૂજશે તમને,
કર્મ હશે જો કાળા, પૂછવા પાંચ નહીં આવે.
વ્યભિચારનો રાવણ હરશે શાંતિતણી સીતાને,
પતન રોકવા પછી જટાયુ-ચાંચ નહીં આવે.
સત્યાસત્ય વિચારી જીવનપથ પર પગલાં ભરજે,
આત્મપરીક્ષાથી મોટી કો’ જાંચ નહીં આવે.
જન્મમરણના ચક્કરથી ના કોઈ છૂટ્યું, છૂટવાનું,
કાળદેવતાથી બચાવવા લાંચ નહીં આવે.
‘ચાતક’ થઇ તું રાહ જુએ છે કોના અવતરવાની,
ક્યાંક લખેલું હથેળી ઉપર વાંચ, નહીં આવે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ! વાંચ્યેથી કામ નહીં આવે ! સમજ્યેથી જ આવશે ! આભાર !
સુંદર ગઝલ દક્ષેશભાઈ !
નવિન અભિવ્યક્તિસભર મત્લા ને મક્તા
સરસ થયા છે.
અભિનંદન !
બન્ને દક્ષેશભાઇ અને સાહિલ સાહેબના કાફિયા એન્જોયેબલ રહ્યા.
વાહ વાહ સરસ ગઝલ…..
ખુબ સરસ ભક્તિ ગઝલ.
વાહ! સુંદર ગઝલના મત્લા અને મક્તા ખૂબ ગમ્યાં!
અભિનંદન!!
સુધીર પટેલ.
નવી અભિવ્યક્તિવાળી ગઝલ ગમી અભિનન્દન
અભિનવ ગીતાજ્ઞાનમાં વણાયેલી ફિલોસોફી અને કાફિયાઓની ગૂંથણી ગમી.
જોગાનુજોગ લયસ્તરો પર આ વાંચવા મળ્યું
નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં
ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં
સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં
સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં
સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં
જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં
– સાહિલ
જન્મમરણના ચક્કરથી ના કોઈ છૂટ્યું, છૂટવાનું,
કાળદેવતાથી બચાવવા લાંચ નહીં આવે
સાંપ્રત સમય અને ઉપરાંત લાક્ષણિક મર્મ ભર્યું મરકવું બન્નેનું સંયોજન ઉત્તમ થયું છે.
નવા કાફિયાના ઉપયોગ સાથે સુંદર ગઝલ…
સત્યાસત્ય વિચારી જીવનપથ પર પગલાં ભરજે,
આત્મપરીક્ષાથી મોટી કો’ જાંચ નહીં આવે….સરસ
સરસ ગઝલ બની છે દક્ષેશભાઈ.