Press "Enter" to skip to content

મારી અંદર

ચોગમ ફેલાયેલું રણ છે મારી અંદર.
મૃગજળ જેવી ભીની ક્ષણ છે મારી અંદર.

અરમાનોની કુંજગલીમાં ભટકી ભટકી,
હાંફી ગયેલાં કૈંક હરણ છે મારી અંદર.

ઝાંઝવા સમી લાગણીઓ શાને વરસાવે,
થીજી ગયેલાં સાવ ઝરણ છે મારી અંદર,

શાહી કલમની સૂકાવાનું નામ નહીં લે,
કૈં કેટલાં અવતરણ છે મારી અંદર.

કણકણમાં તું છુપાયેલો, જાણું છું, પણ
બાકી ના કોઈ રજકણ છે મારી અંદર.

‘ચાતક’ થઈને રાહ જોઉં છું કૈં વરસોથી
આવ, આવવાનાં કારણ છે મારી અંદર.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments

  1. Ami
    Ami September 5, 2011

    વાહ..વાહ..દક્ષેસભાઈ ખૂબ સરસ. આખી રચના લાજવાબ…

  2. Kishore Modi
    Kishore Modi September 5, 2011

    ગા ગા ના આવર્તનમાં નવી રદીફ પ્રયોજીને કહેવાયેલી સુંદર ગઝલ. અભિનન્દન.

  3. Sudhir Patel
    Sudhir Patel September 5, 2011

    ખૂબ જ સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. Pancham Shukla
    Pancham Shukla September 6, 2011

    રદીફને સરસ રીતે નિભાવતી મઝાની ગઝલ.

  5. Kirtikant Purohit
    Kirtikant Purohit September 6, 2011

    ગઝલ સરસ છે પણ રદીફનો પ્રયોગ વધુ ક્લિષ્ટ બનતો નથી લાગતો? લય પણ ક્યાઁક ખટકતો અનુભવાય છે. તજજ્ઞો વધુ પ્રકાશ પાડે તો ગમે.

  6. Manhar Mody
    Manhar Mody September 6, 2011

    અરમાનોની કુંજગલીમાં ભટકી ભટકી,
    હાંફી ગયેલાં કૈંક હરણ છે મારી અંદર.

    ઝાંઝવા સમી લાગણીઓ શાને વરસાવે,
    થીજી ગયેલાં સાવ ઝરણ છે મારી અંદર,

    વાહ વાહ, દક્ષેશભાઈ. હવે તમારી ગઝલો વાંચવાનું વ્યસન થઈ ગયું છે. લગે રહો.

  7. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' September 6, 2011

    સરસ અભિવ્યક્તિ…!!! સુંદર ગઝલ,
    આ વિશેષ ગમ્યું…
    શાહી કલમની સૂકાવાનું નામ નહીં લે,
    કૈં કેટલાં અવતરણ છે મારી અંદર.

    કણકણમાં તું છુપાયેલો, જાણું છું, પણ
    બાકી ના કોઈ રજકણ છે મારી અંદર.

    કિર્તીકાન્તભાઇની વાત કંઇક અંશે ખરી છે…
    ત્રીજા શે’ર માં ‘ઝાંઝવા સમી ‘ માં ગાલગાલગા વજન થાયછે, જ્યારે આમ છંદ ગાગાગા… લાગે છે. એવુ જ પછીના શે’રમાં પણ લાગે છે.

  8. P Shah
    P Shah September 6, 2011

    સુંદર ગઝલ !
    આવ, આવવાનાં કારણ છે મારી અંદર.

    તમારી ગઝલ વાંચવાનું કંઇક તો કારણ ગઝલની અંદર !
    અભિનંદન !

  9. Himanshu Patel
    Himanshu Patel September 6, 2011

    ‘ચાતક’ થઈને રાહ જોઉં છું કૈં વરસોથી
    આવ, આવવાનાં કારણ છે મારી અંદર
    ક્યા બાત હૈ ચાતક સાહેબ, સુંદર કહ્યું…

  10. Pancham Shukla
    Pancham Shukla September 8, 2011

    ઝાંઝવા સમી = મૃગજળ જેવી- એમ કરીને વાંચી શકાય.

  11. Narendra Jagtap
    Narendra Jagtap September 8, 2011

    કણકણમાં તું છુપાયેલો, જાણું છું, પણ
    બાકી ના કોઈ રજકણ છે મારી અંદર…..વાહ વાહ …ક્યા બાત હૈ….સરસ ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.