કાગ-કોયલ બેઉના સૂર-પ્રાસ મળવા જોઈએ,
પ્રેમમાં ધરતી અને આકાશ મળવા જોઈએ.
શાંત વહેતી હો સરિતા કે ઉછળતો અબ્ધિ, પણ
પ્રેમજળનાં ક્યાંક તો આભાસ મળવા જોઈએ.
પ્રેમનો ઉન્માદ ખળખળ નીર થઈ વ્યાપે રગે,
દેહખેતરમાં જરૂરી ચાસ મળવા જોઈએ.
પ્રેમના અદભુત શિખર પર થાય આરોહણ પછી,
બે પ્રવાસીઓના શ્વાસોશ્વાસ મળવા જોઈએ.
દોસ્ત, ગ્રહ-નક્ષત્ર ને સહુ હસ્તરેખાઓ વ્યરથ,
પ્રેમમાં કેવળ હૃદય બે ખાસ મળવા જોઈએ.
પ્રેમની બાજી જીતાયે સ્હેલમાં ‘ચાતક’, મગર
એક રાજા, એક રાણી, તાશ મળવા જોઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ સૂરપ્રાસ અને સરસ ગઝલ.
પ્રેમની વ્યાખ્યાથી ભરી ભરી ગઝલ….!!!
પ્રેમના દરેક રૂપ શે’રે શે’રે ઉઘડતાં જાય છે…અભિનંદન દક્ષેશભાઇ….!!!
સુંદર ગઝલ!
પ્રેમનો ઉન્માદ ખળખળ નીર થઈ વ્યાપે રગે,
દેહખેતરમાં જરૂરી ચાસ મળવા જોઈએ…..
અરે દોસ્ત .. આ એક શેર જ એકે હજારા જેવો છે… વાહ વાહ દક્ષેશભાઇ… ગજબની ગઝલ ..ખુબ જ ઉચા દરજ્જાની ગઝલમાં મૂકી શકાય… અને છેલ્લો મક્તાનો શેર પણ લાજવાબ… મારા આપને દિલથી ખુબ ખુબ અભિનંદન
સુંદર રચના
આ ભ્રષ્ટ સરકારને અન્ના જરા ઓછા પડે છે,
ભગતસિંહ સુખદેવ અને આઝાદ મળવા જોઇએ.
( વિષયાંતર બદલ ક્ષમા )
સુંદર ગઝલ. ઍક જ વિષય પ્રેમ પર કહેવાયેલી સ-રસ ગઝલ.
બ્લેક ચોકલેટ જેવી ગઝલ!
પ્રેમનો ઉન્માદ ખળખળ નીર થઈ વ્યાપે રગે,
દેહખેતરમાં જરૂરી ચાસ મળવા જોઈએ.
પ્રેમના અદભુત શિખર પર થાય આરોહણ પછી,
બે પ્રવાસીઓના શ્વાસોશ્વાસ મળવા જોઈએ.
દોસ્ત, ગ્રહ-નક્ષત્ર ને સહુ હસ્તરેખાઓ વ્યરથ,
પ્રેમમાં કેવળ હૃદય બે ખાસ મળવા જોઈએ.
આ ત્રણે શેર તો ખુબજ ગમ્યા.
આટલી સુંદર ગઝલ ! માત્ર આ એક જ રચના વાંચીને હું આપનો પ્રશંસક/ચાહક બની ગયો છું. મને થાય છે કે ક્યારે સમય કાઢીને આ બ્લોગ પરથી શોધી શોધીને બધું વાંચી નાંખું ! ‘મુસલસલ’ અને ‘મત્લા’ ને એવી બધી તો મને સમજ નથી. પણ અર્થ સમજાય અને એમાંના ભાવો મને સ્પર્શી જાય એટલે બસ !
– નવીન બેન્કર
સંદિગ્ધતા આબાદ પકડી છે-
પ્રેમની બાજી જીતાયે સ્હેલમાં ‘ચાતક’, મગર
એક રાજા, એક રાણી, તાશ મળવા જોઈએ
પ્રેમની સુંદર મુસલસલ ગઝલ. એટલો જ મત્લા પણ જોરદાર. ખૂબ ખૂબ અભિનન્દન.
શબ્દો મલતા નથી …. ! દક્ષેશભાઈ , આપની દરેક રચના ઉત્તમ ..!!
Hats off !! દક્ષેશભાઇ, આ ગઝલનો કસબ વર્ણવવા માટે પહેલી વાર શબ્દો ઉણા પડ્યા !! બસ,ઊભા થઇને સલામ..