ગર્ભમાં નાતો કરે છે જિંદગી,
મ્હેંકમાં વાતો કરે છે જિંદગી.
મૌનના અંધારની વચ્ચે જઈ,
શબ્દને ગાતો કરે છે જિંદગી.
વાંઝણી આંખોમહીં સપનાં જણી,
રેશમી રાતો કરે છે જિંદગી.
શક્યતાનાં બારણાં ખોલી સતત,
કૈંક રજૂઆતો કરે છે જિંદગી.
ક્યાંક આંસુ, ક્યાંક બોખા સ્મિતથી,
અવનવી ભાતો કરે છે જિંદગી.
એક મુઠ્ઠી શ્વાસની છે વારતા,
અંત પડઘાતો કરે છે જિંદગી.
શું હવે અફસોસ ‘ચાતક’ અંતનો,
રોજ શરૂઆતો કરે છે જિંદગી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ છે….its amazing….Good One
મજાની ગઝલ.
પ્રતીક્ષા આવી રચનાઓની કરે છે જિંદગી ..
અભિનંદન.