પરીની વારતાઓમાં સરી આવે કવિતાઓ,
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ.
અવાચક થઈ તમે ઊભા રહો કોઈ ખડકની જેમ
ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ.
જીવનભર જેમને સંવેદનાઓ સ્હેજ ના સ્પર્શી,
હવે એની કબર પર જઈ રડી આવે કવિતાઓ.
મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં,
હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ.
જરૂરી તો નથી કે હર પ્રણયનો અંત સુખમય હો,
અધૂરી વેદનારૂપે મળી આવે કવિતાઓ.
વરસ તું પ્રેમમાં એવું, કિનારા ઓગળી જાયે,
અને સામા પ્રવાહે કૈં તરી આવે કવિતાઓ.
હૃદય-સંવેદનાની એક મુઠ્ઠી ચણ પડે ‘ચાતક’,
ગગનમાંથી ફટાફટ ઊડતી આવે કવિતાઓ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
હૃદય-સંવેદનાની એક મુઠ્ઠી ચણ પડે ‘ચાતક’,
ગગનમાંથી ફટાફટ ઊડતી આવે કવિતાઓ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
કવિતાની રમણીયતા સાચે જ ગઝલમાં સૌરભ બની વહી છે. વિચારોના તરંગો સુંદર રીતે ઝૂમ્યા છે.
– રમેશ પટેલ (આકાશદીપ)
વાહ….
પ્રિય સ્નેહી,
ત્રીજો અંતરો ખુબ ગમ્યો…
માનવજીવનની તમામ હકીકત રજૂ કરી દીધી. મારા પરમ મિત્ર પ્રો. કટારિયાની યાદ અપાવી ગયો.
મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં,
હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ.
વાહ..સરસ. કવિતાઓ પર કવિતા. બાળકનું ચિત્ર પણ સુંદર. રદીફ અને કાફિયા…. સરે કવિતાઓ ..બને કવિતાઓ… કરીએ તો વધુ લયબધ્ધ લાગે ખરું? એક તુક્કો….
કોઈ એક કે બે શેર ટાંકવા હોય તો બહુ જ મુશ્કેલ કારણ કે બધા જ શેર એક એક થી ચડિયાતા. ખુબ જ મઝા આવી. સુંદર ગઝલ.
લગાગાગાના ચાર આવર્તનવાળી નખશીખ સુંદર (હજઝ ૨૮) ગઝલ..જાણે ઝરમરતા મનભાવન ફોરા..
વાહ દક્ષેશભાઈ એક મુસલસલ અને ઉત્તમ ગઝલ. એકે એક શેર ચઢિયાતો. શ્રી પંચમભાઈ શુક્લાનો પ્રતિભાવ અને શ્રી અશોકભાઈ જાની “આનંદ”નું સૂચન પણ એકદમ યોગ્ય છે.
પેલા ચિત્રમાં છે તેમ નાના બાળકની જિજ્ઞાસા નચિકેતા સમ કાવ્ય પ્રાપ્તિ માટે ફરી વળી છે.
આવી રીતે પણ મને વધારે ગમ્યું-
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ
ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ.
બન્નેમાં કવિતા આજન્મ ક્રીડા છે.
સ રસ રચના
મળે છે લોહીથી લથપથ બધા અખબારનાં પાનાં,
હવે અખબારના પાને નહીં આવે કવિતાઓ.
જરૂરી તો નથી કે હર પ્રણયનો અંત સુખમય હો,
અધૂરી વેદનારૂપે મળી આવે કવિતાઓ.
વાહ્
અધૂરી વેદનામાઁથી સરી આવે કવિતાઓ !
વાહ કવિ ! વાહ ! દક્ષેશભાઇ વાહ રે વાહ !
ખુબ જ સુંદર વિભાવનાઓ, કવિતાની કેટકેટલી શક્યતાઓ નિરુપાઇ છે…!!!
મજા આવી ગઇ…
મિત્ર ભાવે એક સુચન કરવાનુ મન થાય છે બીજો શે’ર આ રીતે કરો તો ?!!
“અવાચક થઈ તમે ઊભા રહો કોઈ ખડક જેવા
ને ખળખળતું ઝરણ થૈને વહી આવે કવિતાઓ…” ભાવ જળવાઇ જશે અને જે ખટ્કો અનુભવાય છે તે નીકળી જશે.
વાહ !
એક પછી એક ચઢિયાતી રચનાઓ આપો છો.
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ……ઝરણ જેમ ખળખળ વહેતી આ
કવિતા ખૂબ ગમી.
પંચમભાઈએ દર્શાવેલ લગાગાગાની ટેકરીઓ ઠેકવાનો આનંદ આવ્યો.
અભિનંદન, દક્ષેશભાઈ !
દિલસે !
શ્રી પંચમભાઈના પ્રતિભાવ સાથે સંપૂર્ણપણે સહમત…..
સરસ ગઝલ. કવિતાના ઉદભવ અને ઉંડાણને તાગતી કૃતિ.
હૃદય-સંવેદનાની એક મુઠ્ઠી ચણ પડે ‘ચાતક’,
ગગનમાંથી ફટાફટ ઊડતી આવે કવિતાઓ.
વાહ .
“ને ખળખળ ઝરણ થૈને વહી આવે કવિતાઓ.”
લગાગાગાની ટેકરીઓ ઠેકતો, ગાતો આ મિસરો ઝરણાની જેમ જ કુદરતી રીતે ખળખળ વહે છે.
પરીની વારતાઓમાં સરી આવે કવિતાઓ,
કદી આંગણમહીં બાળક બની આવે કવિતાઓ.
વાહ દક્ષેશભાઈ..આખી ગઝલ જ રસાળ સરળ અને મજાની..બાળકશી સ્વચ્છ નિર્દોષ.. મનભાવન .. પાવન.. મને તો સાહિત્યમાં ભાન નથી…માટે જે લાગે તે કહું …