કાખઘોડીથી સરકતો હોય છે,
હાંફતો ચિક્કાર રસ્તો હોય છે.
ભીડનું ભેલાણ આઘું રાખવા,
પગરવોને એય કસતો હોય છે.
સાંજ પડતાં ટૂંટિયું વાળી પછી,
દર્દથી એ પણ કણસતો હોય છે.
શૂન્યતા એનેય ગભરાવે સતત,
હમસફરને એ તરસતો હોય છે.
આખરી મંઝિલ સુધી પહોંચાડવા,
એ પ્રયત્નો ખૂબ કરતો હોય છે.
મૂક સેવા, આશ બદલાની નહીં,
સ્થિરતા એનો શિરસ્તો હોય છે.
માર્ગભૂલ્યા માનવો માટે કદી,
એ પ્રગટ ગેબી ફરિશ્તો હોય છે.
ચામડી ‘ચાતક’ ભલે આસ્ફાલ્ટની,
લાગણીથી એ ધબકતો હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર રચના. ગમી.
હોય હમસફર મીઠો તો રસ્તોય ભીનો લાગે છે; બાકી તો સાવ જ સુકો ને લુ ઝરતો હોય છે …….
સરસ ભાવવાહિ રચના. બધા જ શેર અર્થપૂર્ણ છે. નિર્જીવ રસ્તામાં તમે જાન રેડી દીધી છે, દક્ષેશભાઈ. અભિનંદન.
શૂન્યતા એનેય ગભરાવે સતત,
હમસફરને એ તરસતો હોય છે.
વાહ,વાહ.
ખુબજ સુંદર, રસ્તા વિષે આટલું સુંદર સજીવારોપણ પહેલા ક્યારેય નથી માણ્યું.
સુંદર ભાવપૂર્ણ રચના !
અભિનંદન !
ખુબ જ સરસ રચના…. આપે જે રસ્તા વિષે નિરુપણ કર્યુ છે તે ભાવવાહી અને પુર્ણ છે…ખુબ જ સરસ ….અભિનંદન્
મૂક સેવા, આશ બદલાની નહીં,
સ્થિરતા એનો શિરસ્તો હોય છે.
માર્ગભૂલ્યા માનવો માટે કદી,
એ પ્રગટ ગેબી ફરિશ્તો હોય છે.
રસ્તામા સજીવારોપણ અલંકાર દ્વારા અદભૂત લાગણીઓનું દર્શન કરાવવા બદલ ધન્યવાદ.
કાખઘોડીથી સરકતો હોય છે,
હાંફતો ચિક્કાર રસ્તો હોય છે.
અપૂર્ણ માણસ અને તેની ગતને સપેક્ષ કરતી ગઝ્લ અને ભાષા,સુંદર.
રસ્તાને સજીવન કરતી મુસલસલ રચના. સંદર્ભ સાતત્યથી એક પ્રકારની પૂર્ણતા અનુભવાય છે.
મિત્રો,
ગઈકાલે પોસ્ટ કર્યા પછી બીજા બે શેર લખાયા, જેનો ઉમેરો કર્યો છે. અને એક શેરમાં થોડો ફેરફાર કર્યો છે. આશા છે આપને પસંદ આવે. જે મિત્રોએ અભિપ્રાય આપી દીધો છે, તેઓ મને આ પરિવર્તન બદલ માફ કરશે એવી અપેક્ષા છે.
ચામડી ‘ચાતક’ ભલે આસ્ફાલ્ટની,
લાગણીથી એ ધબકતો હોય છે. = વજ્રાદપિ કઠોરાણી મૃદુનિ કુસુમાદપી!
વાહ્! એક નિર્જીવ લાગતા રસ્તાને “ચાતકે” પોતાના ભાવ સાથે ભાષા આપીને ચિરંજીવી સજીવ બનાવી દીધો! તો સાથે સાથે નિરસ રસ્તા જેવા થતા જતા “માણસ”ને “સાચો રસ્તો” બનવાની ગજબની વાત કહી દીધી!
ભાઈ વાહ્!
આસ્ફાલ્ટની ચામડી ધરાવતો રસ્તો મુસાફિર માટે તલસતો હોય છે !!! અંતે તો દરેકે રસ્તેથી જ પસાર થવાનું હોય છે !!
Dear Daksehshbhai,
What a wonderful creation!!!! You have really put life in this poem…and brought a non living thing into being one!!!!!
Can you please put મારુ જીવન અંજલિ થાજો….It is a very nice bhajan teaching us to be humble and helpful… I do not know who is the singer, but during my recent visit to Bombay, I heard it in a temple…..If possible, please put the audio and script both together as you always do for most of your daily gifts…….Thanks.
[મુકાઈ ગયેલું છે. અનુક્રમણિકા-1 તપાસી જશો. – Admin]