Press "Enter" to skip to content

અંત નોખા હોય છે

હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.

ખુશનસીબોના જ કિસ્મતમાં લખી દિવાનગી,
બદનસીબોના લલાટે ફક્ત ધોખા હોય છે.

આમ તો બે હોઠ, આંખો, બે જ હૈયાઓ મળે,
તોય અંદાજો મિલનના સૌ અનોખા હોય છે !

પ્રેમની તસવીર કો’દિ ધુંધળી થાતી નથી,
સ્મિત મુખ પર ઝળહળે, છો દાંત બોખા હોય છે.

એ સદીઓથી થતા ‘ચાતક’ ભલે બદનામ પણ,
એમને જોવા તરસતાં સહુ ઝરોખા હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

18 Comments

  1. Kevin Ahir
    Kevin Ahir December 4, 2016

    Nice gazal

  2. Daxesh Contractor
    Daxesh Contractor March 11, 2011

    અશોકભાઈ,
    તમારી વાત સો ટકા સાચી. પણ લોકબોલીમાં આપણે જેમ ઘઉં દળવાને બદલે લોટ દળવાની વાત કરીએ એવું છે… દળેલાને જ લોટ કહેવાય. એ જ રીતે સામાન્ય બોલચાલમાં દાંત ન હોય તો – દાંતે બોખા છે – એમ પ્રયોજીએ છીએ. એ પરથી દાંત બોખા હોય છે એમ લખ્યું છે. સૂચન બદલ આભાર.

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' March 11, 2011

    તમારા બ્લોગ પરના ઇજનના મેઇલ સ્પામમાં જતા રહેલા. આજે અચાનક બીજો એક મેઇલ શોધતાં જડી ગયા,

    ગઝલનો તમારો પ્રયાસ વધાવવા યોગ્ય છે, ઉપરના પ્રતિભાવોમાં જણાવેલી કાફિયાની ક્ષતિ સુધારી લીધી તે સારું થયું. બીજા એક હકિકત દોષ તરફ ધ્યાન દોરવાનું મન થાય છે, ચોથા શે’રમાં દાંત બોખાની વાત કઠે… દાંત વિના મોઢું બોખું હોય….

  4. Manhar Mody
    Manhar Mody March 6, 2011

    હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
    ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.

    બહુ જ મર્મભેદી શેર મુક્યા છે આખી ગઝલ માં. અભિનંદન, દક્ષેશભાઈ.

  5. Deepak
    Deepak March 6, 2011

    હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
    ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.

    આમ તો બે હોઠ, આંખો, બે જ હૈયાઓ મળે,
    તોય અંદાજો મિલનના સૌ અનોખા હોય છે !

    એ સદીઓથી થતા ‘ચાતક’ ભલે બદનામ પણ,
    એમને જોવા તરસતાં સહુ ઝરોખા હોય છે.

    ખુબ સરસ…

  6. Himanshu Patel
    Himanshu Patel March 3, 2011

    અનોખા પ્રેમની નોખી ગઝલ, આ વધારે ગમ્યું ..
    આમ તો બે હોઠ, આંખો, બે જ હૈયાઓ મળે,
    તોય અંદાજો મિલનના સૌ અનોખા હોય છે !

  7. Pragnaju
    Pragnaju March 2, 2011

    સરસ ગઝલ
    હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
    ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.

    ખુશનસીબોના જ કિસ્મતમાં લખી દિવાનગી,
    બદનસીબોના લલાટે ફક્ત ધોખા હોય છે.
    શેર ખુબ સરસ

  8. Narendra Jagtap
    Narendra Jagtap March 2, 2011

    આમ તો બે હોઠ, આંખો, બે જ હૈયાઓ મળે,
    તોય અંદાજો મિલનના સૌ અનોખા હોય છે !

    દક્ષેશભાઇ..ખુબ જ મઝાની ગઝલ છે….
    પ્રેમની તસવીર કો’દિ ધુંધળી થાતી નથી,
    સ્મિત મુખ પર ઝળહળે, છો દાંત બોખા હોય છે.

    આ શેર પણ ખુબ જ મઝાનો છે…..અભિનંદન…..

  9. Kirtikant Purohit
    Kirtikant Purohit March 2, 2011

    સામાન્યતઃ અઘરા ગણાતા કાફિયાને સારા નિભાવ્યા છે. મત્લામાં અભરખા કે ઝરોખા જેવા કફિયાનો ઉપયોગ થતાં સુક્ષ્મ લાગતો કાફિયાદોષ નિવારી શકાય છે.

    • Daxesh Contractor
      Daxesh Contractor March 3, 2011

      કીર્તિકાન્તભાઈ,
      કાફિયાદોષ નિવારવા તમે સુચવેલ વાત સોળ આના સાચી પણ મત્લાનો શેર ગમી ગયેલો એટલે એને બદલવા કરતાં ગઝલમાં એક શેર ઓછો કરવો વધુ યોગ્ય લાગ્યો. ઘણી વાર કોઈક શેર સાથે એવો લગાવ થઈ જાય … મત્લાનો શેર મનમાં ઉગ્યો પછી જ આખી ગઝલ લખાઈ એથી એનો એકાદ શબ્દ બદલું કે આગળપાછળ કરું પણ એનો ભાવ બદલાય એવું કશું કરવાનું ન રુચ્યું.
      આપના સુચન અને પ્રતિભાવ બદલ આભાર. મહેશભાઈ, આપનો પણ ફરીથી આભાર. આપ જેવા મિત્રોના સુચનથી જ વધુ ને વધુ સારુ લખવાની પ્રેરણા મળે છે.

  10. P Shah
    P Shah March 2, 2011

    દક્ષેશભાઈ, મત્લાનો શેર ખૂબ ગમ્યો. બાકી બધા શેર પણ સરસ થય છે.

    એક શેર-

    પ્રેમની ગત એટલે ન્યારી કહી,
    ઢાઇ અક્ષર આજ કાચા નીકળ્યા.

  11. Daxesh Contractor
    Daxesh Contractor March 2, 2011

    મહેશભાઈ,
    તમારી વાત સાચી છે. કોફિયાદોષ પરત્વે ધ્યાન દોરવા બદલ આભાર.
    પાંચમા શેરને બદલીને મક્તાનો શેર બનાવ્યો …
    એ સદીઓથી થતા ચાતક ભલે બદનામ પણ,
    એમને જોવા તરસતાં સહુ ઝરોખા હોય છે.
    અને
    પ્રેમનું દૈવી રસાયન પામવા ‘ચાતક’ અહીં,
    હોઠમાં ઘુંટેલ સોનેરી અભરખા હોય છે.
    – એ શેર રદ કર્યો છે.

  12. સરસ ગઝલ દક્ષેશભાઈ….
    એક બાબત ધ્યાને પડી, એ સવિનય જણાવવાનું મન થાય છે કે,
    મત્લાથી લઈ છેક સુધી જળવાયેલ નોખા, ચોખા, વિ. કાફિયા, મક્તામાં અભરખા કેમ ?

  13. Saryu Parikh
    Saryu Parikh March 2, 2011

    સરસ ગઝલ, પહેલી બે લીટી વિશેષ ગમી. સરયૂ

    આપનો પ્રતિભાવ “Meant To Be” મારા અનુભવ વિષે બહુ સરસ હતો. હમણા સેવા કાર્યમાં, one NPO wanted, ગુજ.માંથી અંગ્રેજી translation મદદ જોઈતી હતી તેમાં વ્યસ્ત હતી.

  14. Chetu
    Chetu March 1, 2011

    હર પ્રણયની વારતાના અંત નોખા હોય છે,
    ક્યાંક આંસુ, ક્યાંક કંકુ સાથ ચોખા હોય છે.

    ખુશનસીબોના જ કિસ્મતમાં લખી દિવાનગી,
    બદનસીબોના લલાટે ફક્ત ધોખા હોય છે.

    વાહ દક્ષેશભાઇ, આપના દરેક શેર અનોખા હોય છે…!!!!!

  15. Paru Krishnakant
    Paru Krishnakant March 1, 2011

    બહુ જ સરસ ગઝલ
    આ શેર તો બહુ જ ગમ્યો…..

    પ્રેમની તસવીર કો’દિ ધુંધળી થાતી નથી,
    સ્મિત મુખ પર ઝળહળે, છો દાંત બોખા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.