Press "Enter" to skip to content

આંગણે વરસાદ છે

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.

એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.

જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.

એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી,
હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ છે.

રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.

તગતગે એની સ્મૃતિ ‘ચાતક’ હજીયે આંખમાં,
લોક છો કહેતા ફરે કે આંગણે વરસાદ છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar April 7, 2011

    ભર ઉનાળે ખીલી વસંત….તમારું આગમન તો એક બહાનું છે.

  2. P Shah
    P Shah January 25, 2011

    ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે….

    સુંદર લાગણી સભર રચના !
    બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
    ખાસ અભિનંદન !

  3. Manhar Mody
    Manhar Mody January 24, 2011

    વરસાદના રૂપકનો સુંદર ઉપયોગ. સરસ ભાવવાહિ રચના. આંખોમાં આંસુનો વરસાદ લાવી દે એવો આ શેર કન્યાવિદાયનો સમય યાદ અપાવી જાય છે.

    જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
    ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે.

  4. Sudhir Patel
    Sudhir Patel January 22, 2011

    સુંદર ભીંજવે એવી વરસાદી ગઝલ!
    સુધીર પટેલ.

  5. Paru Krishnakant
    Paru Krishnakant January 21, 2011

    જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે,
    ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે….. અદભૂત રચના… અભિનંદન

  6. Narendra Jagtap
    Narendra Jagtap January 21, 2011

    ખુબ જ સરસ મઝાની ગઝલ… ઉપરનો શેર મને વધુ ગમ્યો…..સરસ ગૂંથણી કરી છે… અને તે પણ મઝાના રદીફ સાથે…..અભિનંદન

  7. Dr.Mahesh Rawal
    Dr.Mahesh Rawal January 21, 2011

    સુંદર ગઝલ….
    વાહ!
    ત્રીજા શેર માટે અલગથી ખાસ અભિનંદન.

  8. Kirtikant Purohit
    Kirtikant Purohit January 21, 2011

    આખીયે ગઝલ લાગણીથી તરબતર છે અને દરેક શેર એનો પડઘો લૈ આવે છે. ખરેખર અદભૂત રચના.

  9. Pragnaju
    Pragnaju January 20, 2011

    શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે,
    આગમનની શક્યતાનો બારણે વરસાદ છે.

    એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની,
    એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે.
    વા હ્

    ગની ચાચાની યાદ આવી
    તમારાં અહીં આજ પગલાં થવાનાં,
    ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.

    ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
    ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

    શરમનો કરી ડોળ સઘળું જુએ છે
    કળી પાંદડીઓના પડદે રહીને,

  10. Raju Yatri
    Raju Yatri January 20, 2011

    વાહ ભાઈ! આ તો જેને ભીતરે વરસાદ હોય તે જ લખી શકે……
    “રેતના દરિયા ઉલેચીને છુપાઈ લાગણી,
    શી ખબર એને બધાની ભીતરે વરસાદ છે.”
    બહોત ખૂબ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.