Press "Enter" to skip to content

સુખની પરિભાષા

આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.

તેલ દીવામાં પૂરી અંધારને અવરોધવા,
અંધ આંખોમાં થઈને નૂર ચમકી જોઈએ.

ઓસની બુંદો સમું ‘ચાતક’ જીવન છે આપણું,
કોઈના ચ્હેરા ઉપર થઈ સ્મિત ઝળકી જોઈએ.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. sapana
    sapana December 1, 2010

    સરસ ગઝલ !!મક્તો સરસ થયો..
    સપના

  2. Raju Yatri, New Jersey
    Raju Yatri, New Jersey December 1, 2010

    વાહ!
    આ અજબ-ગજબના જગતમાં આવો ભાવ એ પણ ચાતકના અંતરનું અનોખું પ્રતિબિંબ જ છે!

  3. સુનીલ શાહ
    સુનીલ શાહ December 2, 2010

    મત્લાથી મક્તા સુધીના પ્રત્યેક શેર સરસ થયા છે. હકારાત્મક અભિગમ જ જીવવાનો સાચો માર્ગ છે. અભિનંદન.

  4. Sudhir Patel
    Sudhir Patel December 2, 2010

    ખૂબ સુંદર લાગણી સભર ગઝલ!
    સુધીર પટેલ.

  5. Pancham Shukla
    Pancham Shukla December 2, 2010

    ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ.

    નવી પરિભાષા રચી આપતી આ ગઝલ મનનીય થઈ છે.

  6. Pragnaju
    Pragnaju December 3, 2010

    ભાવમાં ભીંજાવવાનું સુખ મળે કોઈક વાર,
    આજ કોઈના અભાવોથીય પલળી જોઈએ.

    જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
    એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ.
    સુંદર શેર્
    કોઇક સહ્રદયી માનવનું મન કોઇક આવી જ પળે ઓગળ્યું હશે કે તેમણે પોરબંદરમાં આશ્રમ ખોલ્યો જેમાં આવા બધાં ગાંડાઓને તેઓ રાખતાં, તેમના વાળ કપાવતા, દાઢી કરાવતા, ખવડાવવાની વ્યવસ્થા કરતા, તેમની કાળજી, માવજત કરતાં. તે હતા પ્રાગજી બાપા. પ્રાગજી બાપાના આશ્રમને ગાંડાઓનો આશ્રમ પણ કહે છે.

  7. Himanshu Patel
    Himanshu Patel December 3, 2010

    જેમની હરએક પળ સંઘર્ષ છે અસ્તિત્વનો,
    એમના જીવન કથાનક સ્હેજ પલટી જોઈએ
    જીવનના પોઝિટીવ અભિગમની અસ્તિવાચક ભાષા મેળવી છે તે ગઝલમાંનો આ શેર વધારે ગમ્યો.

  8. Kirtikant Purohit
    Kirtikant Purohit December 3, 2010

    સરસ કલ્પનો અને લાગણીભરી તાજ્ગી.

  9. P Shah
    P Shah December 3, 2010

    આંગળીઓ કો’ક નોંધારાની પકડી જોઈએ,
    ચાલ સુખની સૌ પરિભાષાઓ બદલી જોઈએ…..

    લાજવાબ મત્લાના શેર સહિત બધા જ શેર ઉત્તમ થયા છે.
    પોઝિટીવ અભિગમભરી એક સુંદર રચના આજે વાંચવા મળી.

    અભિનંદન !

  10. Kanchankumari. P. Parmar
    Kanchankumari. P. Parmar December 3, 2010

    મક્તા મત્લાની ઝંઝટ છોડી જેવું આવડે તેવું લખીને સૌના મુખડા મલકાવી જઇયે ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.