ચાંદની રાતે થતે પરભાત તો શું શું થતે,
આંગણે અવસર હતે રળિયાત તો શું શું થતે.
બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો,
એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે.
જે ગયા મઝધારમાં પાછા કદી આવે નહીં,
એ કિનારાને હતે જો જ્ઞાત તો શું શું થતે.
આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,
એમને જો મોત આપત માત તો શું શું થતે.
જેમની આદત સુંવાળી શેષશૈયા પર શયન,
એ ધરા પર ઠોકરો જો ખાત તો શું શું થતે.
શ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આખી ગઝલ જ સુંદર છે, આસ્વાધ્ય છે. દર વેળા નવીન જ લાગે. વાહ દક્ષેશભાઈ.. ગહન ચિંતન… આમ જુઓ તો એક પળ સિવાય શું વર્તમાન છે.. આ પલ જ જાણે સર્વસ્વ.. નથી કહ્યું કે ક્ષણમ સાધયેત્ …
શ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.
“સમય”ની મહત્વતા ને શક્તિનું અનોખું દર્પણ! તો વળી જીવનને “જો” અને “તો”ના ત્રાજવામાં તોલવાનો સુંદર પદ્ય-પ્રયાસ. વાહ!
યુગોથી આથમતી સાંજ અને પ્રગટતું પ્રભાત … પણ અહિં તો પળમાં પ્રગટ્યું પ્રભાત અને સમી ગઈ સાંજ.
સરસ માર્મિક ગઝલ ..
સપના
સરસ ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,
એમને જો મોત આપત માત તો શું શું થતે.
અહીં ‘મોત માત આપે’નો સંદર્ભ વધુ સ્પષ્ટ થાય તો કદાચ વધુ ઉપકારક નીવડે.
સુંદર ગઝલ. આ શેર વધુ ગમ્યો
શ્વાસનું આવાગમન ‘ચાતક’ પળોની વાત છે,
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે.
સરસ ગઝલ દક્ષેશભાઈ,
શ્રી પંચમભાઈની વાત સાથે હુંય સહમત છું-અહીં હકીકત સ્પષ્ટ કરવી આવશ્યક જણાય છે.
આમ તો જો શક્ય હોય તો એ શેરની માત વાળી પંક્તિ બદલીને કાફિયા નિભાવી શકાય
દા.ત. એ મરણને આપતે જો માત તો શું શું થતે…..
ગઝલમાં વણાયેલ જો અને તો એના ભાવ-વિશ્વને સરસ રીતે ઉઘાડ આપે છે-અભિનંદન.
સાદ્યન્ત અર્થસભર ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
બંધ આંખોમાં હતો જે સ્વપ્નનો મેળાવડો,
એ હકીકતમાં યદિ પલટાત તો શું શું થતે.
વાહ્ દક્ષેશભાઈ ! ખુબ સરસ.
અત્યાર સુધી જે જે કવિમિત્રોએ પ્રતિભાવ આપ્યો એ સર્વ કવિમિત્રોનો આભાર. પંચમભાઈ અને મહેશભાઈએ મોતને માત આપવાની વાતને સ્પષ્ટ કરવા સૂચન કર્યું એટલે જે ભાવથી આ શેર લખાયો તેની પૃષ્ઠભૂમિકા અહીં રજૂ કરું છું.
આયખું એંઠું કરી જેઓ ગયા સમશાનમાં,
એમને જો મોત આપત માત તો શું શું થતે.
મોત માત આપે એટલે કે મોત ન આવે. જેમણે પોતાના જીવનમાં સારા કાર્યો કર્યા હોય તેમનું મૃત્યુ ન થાય એવું તો બધા ઈચ્છે. પરંતુ અહીં એવા લોકોની વાત નથી. અહીં તો જેમનું આયખુ એંઠું છે એવી વ્યક્તિઓની વાત છે. એમાં બે જાતના માનવો મળે – એક તો એવા લોકો જે પોતાના કાર્યોથી બીજાના જીવનને દોઝખ કે અભિશાપરૂપ કરી દે. તો એવાઓનો અંત (મૃત્યુ) સૌને હાશ આપે છે. રાવણ, કંસ કે હિટલર જેવાના જીવનનો અંત ન આવત તો શું શું થાત? તો બીજા પ્રકારમાં એવા માનવો જે કોઈ મજબૂરી, અપરાધ, દુષ્કૃત્ય કે એવા જ કોઈ કારણોસર પોતાના જીવનનો અંત આણવા માટે કટિબધ્ધ થાય છે. તો મૃત્યુ એમને બદતર અને દોઝખભરી જિંદગીથી ઉગારી લે છે – કમસેકમ એમ એમને લાગે છે. (જેમકે પહેલા લોકો કુવામાં પડતું મુકતા) પણ જો મૃત્યુ પણ એમને નસીબ ન હોય તો તેઓ જીવન કેવી રીતે પસાર કરત? એ બંને રીતના માનવોની વ્યથાને અહીં વાચા આપવા પ્રયાસ કર્યો છે. આશા છે આટલી સ્પષ્ટતા પૂરતી થશે.
વાહ..
સરસ ગઝલ. બધા શેર મઝાના થયા છે. અભિનંદન દોસ્ત.
સરસ ગઝલ દક્ષેશભાઇ… બહુ જ વાર વાંચી…અને સરસ રદીફ અને સરસ કાફીયા વાળી મસ્ત ગઝલ ..અભિનંદન્
જિંદગી પળમાં જ વીતી જાત તો શું શું થતે…..
સુંદર રચના !
બસ આટલા જ શબ્દો કહેવાની તીવ્ર ઈચ્છા પુરી કરુ છું..
અદભૂતતામાં લઈ જનાર રચના.. વિચારતત્વને સુંદર રીતે વણી લીધું છે આપે..
ઘણા રંગની ઝાંખી મને થઈ.. અફસોસ, વર્તમાન, શક્તિ અને વ્યંગ પણ.
Congratulations!!
If & But ની ખરી મજા હોયે છે
સુંદર કલ્પના …..