Press "Enter" to skip to content

મ્હાલી ગયું મૃત્યુ


પ્રેમ અને લાગણીના કોમળ તાંતણે બંધાયેલ એક આત્મીય સ્વજનની તાજેતરમાં થયેલી ચિરવિદાય વેળાએ રચાયેલ રચના.

ક્ષણોના કાફલાને પળમહીં ઠારી ગયું મૃત્યુ,
વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયું મૃત્યુ.

જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ,
હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ.

જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા,
કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ.

હતી એકેક પળ એના જીવનની એટલી રોશન,
નિહાળી લોક પણ બોલી ઉઠ્યા, મ્હાલી ગયું મૃત્યુ.

વચન છે એટલું તુજને, જરૂર હો આવજે ત્યારે,
જીવનને આંગણેથી કોઈ ના ખાલી ગયું, મૃત્યુ.

હતી ફરિયાદ ચાતકને પ્રતીક્ષા રોજ કરવાની,
હતું કેવું સરળ એનું હૃદય, આવી ગયું મૃત્યુ !

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

  1. Dilip
    Dilip July 22, 2010

    જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ
    હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ

    વાહ દક્ષેશભાઈ, સાચે જ મૃત્યુ લાગે ધીમું પણ ઝડપી છે. અમરત્વના ઓળા સરી જાય છે. આગળના શેર તો એક સે બઢકર એક. બહોત ખુબ. મૃત્યુ તો જીવનરુપી ગઝલનો મક્તો જ. ક્ન્યા વિદાયની રચના પત્નીને વંચાવતા આ નવી ગઝલ વાંચવા મળી.

  2. Sapana
    Sapana July 22, 2010

    સરસ ગઝલ થઈ મૃત્યુ રદિફ પણ નવો લાગ્યો.બધાં શે’ર સરસ થ્યા..સૌથી વધારે આ પંકતિઓ ગમી..
    હતી ફરિયાદ ચાતકને પ્રતીક્ષા રોજ કરવાની,
    હતું કેવું સરળ એનું હૃદય, આવી ગયું મૃત્યુ !

    સપના

  3. Chetu
    Chetu July 22, 2010

    જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ,
    હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ…. એકદમ હૃદયસ્પર્શી ..!!

  4. Himanshu Patel
    Himanshu Patel July 22, 2010

    તમારી લાગણીઓ છેલ્લી પળોને બોલતી કરી દે છે ત્યારે જ મૃત્યુમાંથી આવતી આત્મીયતા સાચી રીતે અનુભવાય છે જે તમારા શબ્દોમાં વંચાય છે.
    મળો મને @ http://himanshupatel555.wordpress.com

  5. વાહ દક્ષેશ ભાઇ,
    મૃત્યુને બરાબર લપેટામાં લઇને તમે મેદાન મારી ગયા છો. બહુ જ સુંદર રચના બની છે. મૃત્યુ બિચારુ ક્યાંક ઉભું રહી માથુ ખજવાળતું હશે કે, ક્યાંક ભૂલ તો નથી થઇ ગઇ ને !

  6. એકદમ ભાવસભર અભિવ્યક્તિ…
    આ વધારે સ્પર્શી ગયું…..
    જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા,
    કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ.
    અને,
    પ્રેમ અને લાગણીના કોમળ તાંતણે બંધાયેલ એ આત્મીય સ્વજનના આત્માને ઈશ્વર મોક્ષ પ્રદાન કરી શાંતિ બક્ષે એજ અભ્યર્થના.
    અસ્તુ.

  7. Kirtikant Purohit
    Kirtikant Purohit July 22, 2010

    સરસ રચના. અત્રે ‘શૂન્ય’ની આવા જ પ્રસંગે રચાયેલ રચના યાદ આવી ગઇ.

    થયાં છે લોક ભેગાં કેમ આ શાની ખુશાલી છે?
    કોઇનો જાન ચાલ્યો કે કોઇની જાન ચાલી છે? અને….

    મારું એક ‘ટ્રાયોલેટ’;

    આગલા મેલમાં બા ગઇ પાછલી લોકલમાં બાપુ
    ટ્રેન છૂટી ને સ્ટેશન પાસે રહ્યો પાછળ ધૂમાડો
    સૂનાં તારીખિયાનાં, પાનાં ગડી વાળેલું છાપું
    આગલા મેલમાં બા ગઇ પાછલી લોકલમાં બાપુ

    તુલસીક્યારે સૂની દીવી, કોને ઘી-માચીસ આપું
    મોભ તૂટ્યા, સૂનાં આંગણિયાં, સૂનો ગાયોનો વાડો
    આગલા મેલમાં બા ગઇ પાછલી લોકલમાં બાપુ
    ટ્રેન છૂટી ને સ્ટેશન પાસે રહ્યો પાછળ ધૂમાડો

    – કીર્તિકાન્ત પુરોહિત.

  8. Dr P A Mevada
    Dr P A Mevada July 22, 2010

    મૃત્યુ ઉપરની તમારી આ રચના ગમી ગઈ. સ્વિકારવાની જ વાત છે, સ્વિકારવું પડે. આવે વખતે ભાર ઉતરી જાય માટે વ્યથાને કવિતામાં પ્રસ્થાપિત કરવાથી સારૂ લાગે છે. મારા બ્લોગમાં મૃત્યું ઉપર બે ભક્તિરચનાઓ છે તે પણ તમોને ગમશે. વાંચજો અને અભિપ્રાય આપજો.
    – ડૉ પી એ મેવાડા, “સાજ”

  9. Pragnaju
    Pragnaju July 23, 2010

    જીવનની ઝંખનામાં દોટ મૂકી’તી અમરતાએ,
    હતી થોડી વધુ એની ઝડપ, ફાવી ગયું મૃત્યુ.

    જતનથી જિંદગીમાં શ્વાસના માંડેલ સરવાળા,
    કરીને બાદબાકી પળમહીં, ચાલી ગયું મૃત્યુ.

    સુંદર ભાવ સભર અભિવ્યક્તી
    યાદ…
    દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
    જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.

    બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
    તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.

  10. Narendra Jagtap
    Narendra Jagtap July 25, 2010

    વાહ વાહ ખુબ જ સરસ ગઝલ …ભાવથી ભરપૂર અભિવ્યક્તિ…

  11. Dr. Chandravadan Mistry
    Dr. Chandravadan Mistry July 27, 2010

    સરસ ગઝલરૂપી રચના!….પણ આ એક વ્યક્તિને શ્રધ્ધાજંલી હતી તો પ્રથમ એ “આત્મા”ને વંદના !
    એ સ્વીકારશો !
    – ચંદ્રવદન
    Daxeshbhai…You had visited Chandrapukar long time ago..I had posted “Chalo Rangoon Chalo Rangoon ” as an ANJALI to a person known to me Hope YOU & your Bhabhi ( Mitixaben) both visit my Blog..See you soon !

  12. Manvant Patel
    Manvant Patel July 29, 2010

    જીવનનાં બે અનિવાર્ય પાસાં …. મ્રુત્યુ અને કીર્તિ !
    પરમાત્મા એ આતમાને સાચી શાન્તિ આપજો ! !

  13. P Shah
    P Shah July 31, 2010

    ક્ષણોના કાફલાને પળમહીં ઠારી ગયું મૃત્યુ,
    વિષમ સૌ વેદનાઓને સહજ મારી ગયું મૃત્યુ……

    સુંદર રચના !

  14. Manoj
    Manoj July 31, 2010

    I love you so much, because you are giving a good treatment and make healthy our mother tongue Gujarati. Gujarati is sick now, but I have a confidence that, if we work for our Gujarati literature and love our country and language. Thanks dear to you and your team.
    – Manoj,
    Editor Jivanyatri Magazine, Surat, Gujarat, India.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.