મિત્રો, આજે એક સ્વરચિત ગઝલ. આશા છે એ આપને ગમશે.
હું અને તું જીવીએ છે એક જિન્દા લાશ થૈ,
કેમ ના ભેગા મળી સાથે જીવીએ આશ થૈ.
ક્યાં સુધી શંકા-કુશંકાને લઈ ચાલ્યા કરો ?
ક્યાંક તો મળવું જ પડશે આપણે વિશ્વાસ થૈ.
હો પતંગાનું જીગર તો દીપની ક્યાં છે મણા,
ચાલ સંગે ઝળહળીએ આપણે અજવાસ થૈ.
આપને મળવું મુકર્રર ના હશે તકદીર તો,
ઓળખી ના સ્હેજ શકીએ છો નીકળીએ પાસ થૈ.
શ્વાસનું આવાગમન તો ચાલશે કાયમ અહીં,
ચાલ બાકીની પળો ઉત્સવ કરીએ ખાસ થૈ.
ના હશે સંભાવના ત્યાં શક્યતાઓ ફુટશે,
આવ હોઠો પર, હુંફાળા, તું ગઝલનો પ્રાસ થૈ.
એમ વાદળ થઈ સદાયે મોકલે અણસાર પણ,
આવ ચાતકના શહેરમાં કોક દિ’ અહેસાસ થૈ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સાથે રમીએ…સાથે જમીએ સાથે કરીએ સારા કામ;
કાયમ રહેજો આપણી સાથે ઘટઘટ વસતા શ્રી ભગવાન !
સરસ ગઝલ.