Press "Enter" to skip to content

ગગનવાસી ધરા પર


દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન જીવવું કેટલું મુશ્કેલ છે. માણો ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ યાદગાર રચના મનહર ઉધાસના કંઠે.
*

*
ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું,
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો!

નથી આ વાત સાગરની, આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા! તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલ છે “નાઝિર”
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

– નાઝિર દેખૈયા

[ ફરમાઈશ કરનાર – નિરાલી ]

7 Comments

  1. Dr P A Mevada
    Dr P A Mevada May 23, 2010

    નાઝિર દેખૈયાની રચનાઓ જેણે પણ માણી છે, એ કદી તેમની સહજ રીતે કહેવાયેલી વેદનાની વાતોને ભૂલે નહીં.
    ‘પ્રભુના શીશપર મ્હારૂ સદન થઈ જા તો સારુ,
    ભલે ગંગા સમુએ મુજ પતન થઈ જાય તો સારુ.’

    “સાજ” મેવાડા

  2. નાઝિરભાઈની રચના ગમી !
    એમણે દુઃખી માનવને નિહાળી એની વેદનાઓનું વર્ણન કર્યું છે !
    પણ….જો માનવી હ્રદયના ઉંડાણમાંથી જો પ્રભુને પૂકારે તો વ્હાલો સહારે આવે જ છે !
    Mitixaben Not seen you on Chandrapukar for long time..Hope to see you !Also inviting Daxesh !

  3. Preetam lakhlani
    Preetam lakhlani May 27, 2010

    બહુજ સરસ….ફરી ફરી વાંચવી અને સાંભળવી ગમે તેવી ગઝલ…….

  4. Purvi
    Purvi May 29, 2010

    ખુબ જ સરસ રચના છે. આવું જ કૈંક એમ પણ કહેવાય કે
    હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી,
    હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી.
    I would like to request this gazhal also please.

  5. Hitesh satodiya
    Hitesh satodiya June 12, 2010

    આ રચનામાં કવિ ભગવાનને પ્રુથ્વી પરના માનવીની મુશીબતો સન્દેશો પહોચાડતો હોઇ એવું લાગે. ધન્યવાદ એ ભાવનગરના કવિને.

  6. પ્રમથ
    પ્રમથ August 3, 2010

    ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો!
    જીવનદાતા, જીવન કેરો અનુભવ તું કરી તો જો!

    સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ ભગવન,
    ફકત એકવાર કાંટાની પથારી પાથરી તો જો!

    આ જગ્યાએ બે શે’રમાં ભારતીય અને અરબી તેમ બે ઈશ્વરસંકલ્પનાઓ દેખાય છે.
    પહેલા શે’રમાં આસમાનમાં વસતો, આદેશો આપતો અલ્લાહ, જે અવતાર નથી લેતો અને નથી લેતો ખબર.
    બીજા શે’રમાં ક્ષીરસાગરમાં પોઢેલો વિષ્ણુ, જેના પગ લક્ષ્મી ચાંપે છે. એને શી કાંટાપથારીઓ? પણ કવિ ભૂલે છે કે રામ, કૃષ્ણ અને બુદ્ધ અવતારમાં એ જ વિષ્ણુ કેટલી પીડાઓ વેઠી માનવોનું દેણું ચૂકવે છે?

  7. Tadrash Shah
    Tadrash Shah October 3, 2010

    ઈશ્વરને એક સચોટ રીતે ફરિયાદ કરનાર નાઝીર દેખૈયાને મારા ખૂબ ખૂબ અભિનંદન..
    આમાં માત્ર ફરિયાદ નથી પણ જીવનની હકીકતને સ્વીકારવાની એક ઋજુ સુવાસ પણ છે. માત્ર પડકાર નથી પણ જીવનનો સાક્ષાત અનુભવ કરવા સમગ્ર માનવ જાતને આહવાન છે..
    આ મારા વિચાર છે, શક્યા છે સૌ મારી સાથે સંમત ના પણ થાય.

Leave a Reply to Tadrash Shah Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.