Press "Enter" to skip to content

રેતીના શહેરમાં


મિત્રો, ઈશુના નવા વર્ષે આપ સૌને શુભેચ્છા. આજે મારી એક સ્વરચિત ગઝલ પ્રસ્તુત કરી રહ્યો છું. આશા છે એ આપને પસંદ પડશે.

ચાલ, ઘર બનાવીએ રેતીના શહેરમાં,
દરિયાને પાછો વાળીએ રેતીના શહેરમાં.

મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા,
શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં.

સૂમસામ છે રસ્તાંઓ, ભીંતો, ઘર-ગલી,
મંજુલ રવ પ્રગટાવીએ, રેતીના શહેરમાં.

તારા ને મારા અણગમા, વિદ્વેષ-વિષમતા,
ખારાશને દફનાવીએ રેતીના શહેરમાં.

હળવેકથી શણગારીએ શમણાંની દિવાલો,
ને દ્વાર ખુલ્લાં રાખીએ રેતીના શહેરમાં.

કુમકુમનાં પગલાં કરીએ છીપને દ્વારે,
ને મોતીઓ લઈ આવીએ રેતીના શહેરમાં.

સ્વાતિબિંદુની આશ ના કરમાય ઓ ચાતક,
છો સાત ભવ વીતાવીએ, રેતીના શહેરમાં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. Jaykant Jani
    Jaykant Jani March 10, 2010

    દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
    આપના કાવ્યનુ પ્રતિ કાવ્ય

    ચાલ, ક્રુષ્ણને બોલાવીએ શામળાના શહેરમાં,
    કનૈયાને પાછો લાવીએ શામળાના શહેરમાં,

    દરિયામાં ડૂબી ગ ઇ સોનાની દ્વારકા,
    શોધીને પાછાં લાવીએ શામળાના શહેરમાં,

    સૂમસામ છે રસ્તાંઓ, ભીંતો, ગોકુળ-ગલી,
    રાઘે ક્રુષ્ણ ઘુન બોલાવીએ, શામળાના શહેરમાં,

    ગોકુળ ને મથુરા છોડવા, વિદ્વેષ-વિષમતા,
    મોહનાને મનાવીએ રહેવા શામળાના શહેરમાં,

    હળવેકથી શણગારીએ મંદીરની દિવાલો,
    ને દ્વાર ખુલ્લાં રાખીએ શામળાના શહેરમાં,

    પિત્તાબર પગલાં પાડે દ્વારકાને દ્વારે,
    ને મોરપિછ લઈ આવીએ .શામળાના શહેરમાં,

    છોડે ના યાચક કદી શ્રદ્ઘા ને સબુરીની આશ,
    છો સાત ભવ વીતાવીએ,શામળાના શહેરમાં,

  2. Kirtida Shah
    Kirtida Shah January 28, 2010

    વાહ દક્ષેશભાઈ, મને ખબર નહોતી કે તમે કવિ છો. આટલા વરસો આ હુન્નર ક્યાં હતું ? કવિતા ખુબ સરસ છે.

  3. Sudhir Patel
    Sudhir Patel January 10, 2010

    સરસ રદીફ સાથેની સુંદર ગઝલ!
    આપને તથા મીતિક્ષાના સૌ ભાવક મિત્રોને નૂતન વર્ષના અભિનંદન!
    સુધીર પટેલ.

  4. Dilip
    Dilip January 5, 2010

    દક્ષેશ,
    મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા,
    શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં.
    બહુ સુંદર ગઝલ. નગરપપ્રીતના ભાવ જગાડતી ને દરિયાપાર પણ ડુબી ગયેલા બચપનને પણ બાલપણની પ્રીત શોધી લે છે રેતીના શહેરમાં.. વાહ તમે જે જે રચના લઈ આવો છો તે તે માણવાયોગ્ય છે. આમાં છન્દમુક્તિ લીધી છે…તે મારા જેવા લલકારવા મથશે ત્યારે જ ધ્યાનમાં આવે અને ઓર માણી શકાય. લખતા રહેશો. તમને તથા મીતિક્ષાને નવ વરસના અભિનંદન.

  5. Himanshu Patel
    Himanshu Patel January 5, 2010

    સરસ ગઝલ,
    ચાલ, ઘર બનાવીએ રેતીના શહેરમાં,
    દરિયાને પાછો વાળીએ રેતીના શહેરમાં.
    સરસ વાત કરી છે.

  6. P Shah
    P Shah January 2, 2010

    સુંદર રચના !

  7. Devika Dhruva
    Devika Dhruva January 1, 2010

    મઝધારમાં ડૂબી ગયા શૈશવના કાફલા,
    શોધીને પાછાં લાવીએ રેતીના શહેરમાં.

    બહોત ખુબ..

  8. Mahendrasinh
    Mahendrasinh January 1, 2010

    ગઝલનો ભાવ અને નિરુપણ સરસ છે પણ બહેર જાળવવી ખુબ જરુરી હોય છે. છંદ એ ગઝલનો આત્મા છે

  9. Sapana
    Sapana January 1, 2010

    કુમકુમનાં પગલાં કરીએ છીપને દ્વારે,
    ને મોતીઓ લઈ આવીએ રેતીના શહેરમાં.
    દક્ષેશભાઈ, ખુબ સરસ. રેતીના શહેરમાં સરસ મનોહર ક્લ્પના
    આવો ઊડીએ વાદળોની સાથે
    સપનાના સાગરમાં ડુબીએ
    – સપના.

  10. સુંદર રચના… ‘રેતીના શહેરમાં’ રદીફ દરેક પંક્તિ ઉપાડી શક્તી નથી એ જો કે કઠે છે. દરેક શેરમાં રેતીના શહેરનો ભાવ જળવાવો જરૂરી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.