Press "Enter" to skip to content

બે ગઝલ

અલગ અલગ સમયે લખાયેલ .. સરખા રદીફવાળી બે ગઝલ ….

ભોળા હૃદયને એની ક્યાં જાણ હોય છે,
આંખોના આયનામાં અરમાન હોય છે.

એને કહી શકો છો નાદાનિયત તમે,
સ્વપ્નાં હકીકતોથી અણજાણ હોય છે.

ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.

પત્થરને પૂજવા વિશે બીજું તો શું કહું,
ઝૂકી જવામાં કોઈનું અપમાન હોય છે.

‘ચાતક’, ભલે ને આદમી નાનો ગણાય પણ,
એના રૂપે જ રાચતો ભગવાન હોય છે.

* * * * *


એની ઉઘાડી આંખમાં એ ધ્યાન હોય છે,
કે કોને એના આગમનની જાણ હોય છે.

કાતિલ નજરની વાતમાં ક્યાં છે નવું કશું,
આ પાંપણોનું નામ કદી મ્યાન હોય છે.

એના વિશે તો પારધીને પૂછવું પડે,
હર તીરમાં છૂપું કોઈ ફરમાન હોય છે.

નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.

‘ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. Usha
    Usha January 9, 2011

    બન્ને ગઝલો ખૂબજ સરસ. કોઇ સારા કલાકાર પાસે ગવડાવવી જોઇએ……

  2. Paru Krishnakant
    Paru Krishnakant December 28, 2010

    વાહ દક્ષેશભાઈ, બંને ગઝલ ખુબ સરસ છે . “પિયુની નો પમરાટ” માણવા આપ પધાર્યા તે માટે આપનો ખુબ ખુબ આભાર .
    I am honored.
    Regards,
    Paru Krishnakant.

  3. Gaurang Thaker
    Gaurang Thaker December 24, 2010

    વાહ સરસ શેર…
    ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
    બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.

  4. Kirtikant Purohit
    Kirtikant Purohit December 23, 2010

    ખરેખર બન્ને માણવા લાયક ગઝલ. ફૂલનુઁ બદલે ફૂલને બોલવામાઁ સહેલુઁ પડે કદાચ.!

  5. P Shah
    P Shah December 23, 2010

    બંને ગઝલમાં તમે સમાન્તરે વહો છો.
    અને ધારી અસર ઉપજાવી શક્યા છો.
    મત્લા અને મક્તાની દરમ્યાનમાં તમે ખૂબ ખીલ્યા છો.
    અભિનંદન !

  6. Sudhir Patel
    Sudhir Patel December 23, 2010

    બન્ને સરખા રદીફવાળી, પણ માણવી ગમે એવી સુંદર ગઝલો!
    સુધીર પટેલ.

  7. Narendra Jagtap
    Narendra Jagtap December 22, 2010

    એના વિશે તો પારધીને પૂછવું પડે,
    હર તીરમાં છૂપું કોઈ ફરમાન હોય છે.

    બહુ જ ફાઇન ગઝલો બન્ને…

  8. સરસ ગઝલો દક્ષેશભાઈ….
    બીજી ગઝલના પારધીવાળા શેરમાં નિશાન કે સંધાન કાફિયા કરીએ તો?-વિચારી જોજો.

  9. Sapana
    Sapana December 22, 2010

    બન્ને ગઝલો સરસ થઈ છે
    ઝાકળનું માન રાખવા પલળી જવું પડે,
    બાકી તો ફુલનુંય અભિમાન હોય છે.
    ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
    મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.
    આ લાઇનો વધારે ગમી..
    સપના

  10. Pragnaju
    Pragnaju December 22, 2010

    બન્ને ગઝલો સરસ
    નહીંતર જઈ વસે ના ભમરાં મકાનમાં ?
    આશિક હૃદયને પ્રેમની પહચાન હોય છે.
    આ શેર વિશેષ ગમ્યો

  11. Pancham Shukla
    Pancham Shukla December 22, 2010

    ચાતક’ને શોધવા તમે શાને બધે ફરો,
    મત્લા અને મક્તાની દરમ્યાન હોય છે.

    બન્ને ગઝલના મક્તા અને મત્લાની વચ્ચે તમે આગવી રીતે પમાયા છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.