ઓટલીની ધૂળ સાથે પ્રીતની ગાંઠો બાંધીને
ઝૂંપડે હિલોળાતું અને લંગોટે લહેરાતું બાળક
અને
મખમલી તળાઈમાં આળોટી
પ્લાસ્ટિકની બોટલમાંથી કૃત્રિમતા ચૂસ્યા કરતું,
રોશની અને ઘોંઘાટમાં ગૂંગળાતું બાળક…
બંને બાળક લગભગ સરખાં જ છે
બંને હસે-રડે-શ્વસે-જીવે છે
ફેર માત્ર એટલો જ છે કે
પહેલું ગરીબ અને બીજું અમીર …
ઓહ સોરી ! ભૂલ થઈ ગઈ !!
પહેલું અમીર અને બીજું ગરીબ છે !!!
*
મારી ડાયરીને પહેલે પાને
તેં કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી,
દોડીને મારા વિચારો બહાર નીકળે છે ત્યારે …
બની ગઈ હોય એક કવિતા !!!
*
‘તારા હોવા વિશે’ થિસીસ લખીને
હું પી. એચ. ડી થઈ ગયો,
અને તને ખબર પણ ન પડી ? !!!
*
એક સાંજે તું
ત્યાં તારા શિડ્યૂલ્સ પ્રમાણે
કેન્વાસ પર પીંછી ફેરવતી હશે …
બરાબર તે જ સમયે
હું જોઈ શકેલો
ક્ષિતિજ પર ફૂટી આવેલી રંગીન ટશરોને … !!!
*
તારું નામ લખી હવામાં ફેંકેલી ચબરખી
જમીનને અડે તે પહેલાં તો
બની જાય સોનેરી પતંગિયું !
– જયંત દેસાઈ (શબદ્ માંથી)
The later half of the poem is quite good…. But personally I do not like to read the mixture of two languages. But yet, keeping my personal likes and dislikes aside, the concept as well as the expression is excellent. I liked it.