Press "Enter" to skip to content

ઉમર ખૈયામની રુબાઈઓ – 8


મિત્રો, ઘણાં દિવસ બાદ આજે ફરી એકવાર ઉમર ખૈયામની રુબાઈઓ માણીએ. એમાં છુપાયેલ ગહન અર્થ અને તત્વજ્ઞાનમાં ડૂબકી માર્યા પછી વાહ બોલવાનું જ શેષ રહે. ખરું ને ?

આ તો છે શાપિત મુસાફરખાનું ઓ નાદાન નર,
એની માયામાં ન લપટાજે થઇને બેખબર;
થાકથી લાચાર થઇ બેસી જવા ચાહીશ ત્યાં,
હાથ ઝાલી બેરહમ મૃત્યુ કહેશે, “ચાલ મર”.
*
કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
પ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;
ખુશ રહે કે જેટલાં મસ્તક જુએ છે તું અહીં,
એક દિવસ એ બધાં કુંભારના ચરણે હશે.
*
ફૂલ કે’ છે “કેટલું સુંદર છે આ મારું વદન !
તે છતાં દુનિયા કરે છે આટલું શાને દમન ?”
દિવ્ય-ભાષી બુલબુલે દીધો તરત એનો જવાબ,
“એક દિનના સ્મિતનો બદલો છે વર્ષોનું રુદન !”
*
આ સકળ બ્રહ્માંડને સમજી લો એક ફાનસ વિરાટ,
પૃથ્વી એનો રમ્ય ગોળો, સૂર્ય એની દિવ્ય વાટ;
આપણે સૌ તેજ-છાયાથી વિભૂષિત ચિત્ર સમ,
ઘૂમતા લઇને અગમ ભાવિનો અંતરમાં ઉચાટ.
*
જગ-નિયંતા એની સત્તા જો મને સોંપે લગાર,
છીનવી લઉં ઋત કનેથી ભાગ્યનો સૌ કારભાર;
એ પછી દુનિયા નવી એવી રચું કે, જે મહીં,
સર્વ જીવો મન મુજબ લૂંટી શકે જીવન-બહાર.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

4 Comments

  1. Dr. Chandravadan Mistry
    Dr. Chandravadan Mistry December 7, 2009

    કાળની વણઝાર ચાલી જાય છે, ચાલી જશે,
    પ્રાણ થઇ જાશે પલાયન, ખોળિયું ખાલી થશે;
    Of those posted….I chose the above…Enjoyed ALL !
    Daxesh…Thanks for your VISIT/COMMENT on Chandrapukar.

  2. Preetam Lakhlani
    Preetam Lakhlani December 11, 2009

    બહુ જ સરસ પસંદગી….ચાલુ રાખો….કવિતા/ગઝલને ખરેખર સમજવાવાળા બહુ જ ઓછા હોય છે અટલે કદાચ અભિપ્રાય લખનારની સંખ્યા ઑછી હોય તો દુઃખી ન થવું….તમારો પ્રયત્ન સુન્દર છે.

  3. Bharat Jani
    Bharat Jani December 13, 2009

    નારાયણનું નિર્ભય નાનુ ખુટાડ્યું નહીં ખુટે,
    અંતરના અજવાળામાં લુટેરા શું લુટે ? …. જોરદાર.
    Narayan nu nirbhay nanu khutadiyu nahi khute
    antar na ajwala ma lootara shu loote?
    … jordar

  4. Bankim Shah
    Bankim Shah June 18, 2013

    What a translation ? It is ok to translate prose. I have never read before the poetry translated so poignantly. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.