Press "Enter" to skip to content

આંખોમાં હોય તેને શું?


મિત્રો, આજે એક મજાનું ગીત. એની પહેલી પંક્તિ જ મને ખુબ પ્રિય છે. દરિયામાં હોય એને મોતી કહેવાય પણ પ્રિયતમ વાટ જોતાં, એને મળવાના ઉન્મેષમાં, એના વિરહમાં, પ્રેમની વિવિધ અભિવ્યક્તિ સમયે આંખમાં આવતા આંસુઓને શું કહેવાય ? સાંભળો આ મજાનું ગીત સાધના સરગમના સ્વરમાં.
*
સ્વર- સાધના સરગમ, આલ્બમ- હસ્તાક્ષર

*
દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
… અમે પૂછ્યું: લે બોલ હવે તું.

પંખી વછોઈ કોઈ એકલી જગ્યાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઈ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું? … અમે પૂછ્યું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રાતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ? … અમે પૂછ્યું.

– રમેશ પારેખ

4 Comments

  1. Dilip Gajjar
    Dilip Gajjar October 15, 2009

    રમેશ પારેખનું ગીત માણ્યું ..ખુબ સ્પષ્ટ સંગીત અને કંપોઝીશન પણ કમાલનું..આમ આપણી સવાર સુધરી સરસ્વતીના અભિવાદનથી. સાંજે શ્રીસૂક્તમ ગવાય તો ગવાય પણ મારી પાસે સાહિત્ય સિવાય જગને વહેંચવા કશું નથી…

    મીતિક્ષાને, દક્ષેશભાઈ ને તથા સમગ્ર પરિવારને ધનતેરસના દિને દીપાવલિ અભિનંદન તમે ખુબ સુંદર ગુર્જરી સાહિત્યનું કામ કરો છો તે માણતા રહીએ છીએ અને બિરદાવીએ છીએ..

    સદા અજવાશ દીપક આપતો ખુદને જલાવીને
    ફકત ઉપદેશ ના દે દંભના ચહેરા બતાવીને
    નવલ મિત્રો, નવલ પ્રિતો, નવલ જીતો, નવલ ગીતો
    નવલ મૌસમ સદા આવે જૂના પર્ણો ખરાવીને

    -દિલીપ ગજજર

  2. Dr.Firdosh Dekhaiya
    Dr.Firdosh Dekhaiya October 17, 2009

    આ પંક્તિને અમે એક રમૂજી ઉખાણા તરીકે લઈએ છીએઃ
    દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
    જવાબઃમોતિયો.

  3. Prashant
    Prashant November 8, 2009

    Doctor, this appears to be an optometrist’s observation. Good one!

  4. Balvant Patel
    Balvant Patel December 6, 2013

    જેવું સુંદર ગીત એવું જ અદભુત સ્વરાંકન.. લાંબા સમયથી હસ્તાક્ષરના માધ્યમથી જ આ ગીત માણતા રહ્યા પછી આ સાવ અલગ રીતે ગવાયેલું ગીત સાંભળવું ગમ્યું… કે પછી ખૂબ ગમ્યું એમ કહું???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.