મિત્રો, કોઈના આગમનની પ્રતીક્ષા હોય ત્યારે પગ આપોઆપ ઉંબરા તરફ વળે છે. આવવાનો સમય થાય એટલે આપણે અધીરી આંખે વારેવારે ઘડિયાળ તરફ જોયા કરીએ, બારી બહાર, બારણાં તરફ કે આવવાના માર્ગ તરફ તાકી રહીએ છીએ. એ બેચેની અને બેકરારી મિલનની ઝંખના અહીં રજૂ થઈ છે. પ્રેમીના આંતરજગતનું વર્ણન કરતી શયદાની આ ગઝલ આજે માણીએ.
જનારી રાત્રિ, જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે,
કળીકળીમાં સુવાસ મ્હેંકે ફૂલોફૂલોમાં બહાર આવે.
હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે,
તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે.
વ્યથાને શું હું વિદાય આપું ? વિરામના શું કરું વિચારો ?
કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે.
વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું,
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.
તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ,
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.
હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની,
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.
– શયદા
પ્રગટતા પ્રહરના પુષ્પો સાથે કરું પ્રતિક્ષા તમારી;
ઉગતા ઉષાના કિરણો સાથે કરું પ્રતિક્ષા તમારી;
સુર્યના પ્રખર પ્રહારમાં કરું પ્રતિક્ષા તમારી;
સંધ્યાના સોહામણા રંગોમાં કરું પ્રતિક્ષા તમારી,
ને એજ રજનીના અંધકારમાં કરું પ્રતિક્ષા તમારી,
આશા અને અરમાનોની વચ્ચે કરું પ્રતિક્ષા તમારી……
‘જનારી રાત્રિ’ ગઝલ સ્વરમાં મૂકવા વિનંતી છે.