મિત્રો આજે મારી એક સ્વરચિત કૃતિ. શ્રાવણનો વરસાદ અને હોળી ? હા, અહીં એવી વેદનાની વાત છે જેમાં આંખોમાંથી શ્રાવણની હેલી વરસતી હોય અને હૈયામાં સળગતી હોય સ્મરણોની હોળી. વિરહ અને મિલન એક સિક્કાની બે બાજુ છે, પણ આ એવા સિક્કાની વાત છે જેમાં માત્ર વિરહની વ્યથા જ લખેલી છે.
આંખોમાં મિલનના મંગલ સપનાં આંજેલા હોય અને વિધાતાના ક્રૂર હાથ એને ચકનાચૂર કરી નાખે ત્યારે સર્જાતા વિયોગની પ્રથમ રાત્રિએ પ્રેમીના હૈયામાં ઉપજતી અકથ્ય વેદનાનું, એની વિહ્વળતાનું, એના મૂંગા છતાં અસહ્ય એવા ઝૂરાપાનું અને એના હૈયાફાટ વલોપાતનું એમાં ચિત્રણ છે. આ ગીત સમર્પિત છે એવા દરેક વ્યક્તિને જેનું હૈયું પોતાના પ્રિય પાત્રને ગુમાવવાની વ્યથાથી સભર હોય – પછી એ સરહદ પર કુરબાન થનાર જવાંમર્દની પ્રેયસી હોય, અકસ્માતમાં પોતાના વહાલસોયા જીવનસાથીને ગુમાવનાર પરિણીતા હોય કે અસાધ્ય રોગના ખપ્પરમાં પોતાના પ્રિય પાત્રને બેબસ નજરોથી વિદાય થતાં જોઈ રહેલ સ્વજન.
*
*
સનમ, તારી યાદોમાં ચોધાર આંસુએ આંખો વરસતી રહી રાતભર,
એ શ્રાવણની હેલીમાં હૈયાની હોળી સ્મરણથી સળગતી રહી રાતભર.
એ દિવસો હજુ પણ મને યાદ છે, તારી આંખોમાં મારો ચ્હેરો હતો,
મનના મધુવનમાં પ્રીતમ ફકત એક તારી મહેકનો પહેરો હતો,
યુગોની સફરને ક્ષણોમાં ભરી સમય તો સરકતો રહ્યો રાતભર … સનમ
હતાં કેવાં સપનાં મધુરાં મિલનનાં, વસંતી ફૂલોનો મેળો હતો,
એ શમણાંના ઉપવનમાં ગૂંથેલ કેવો સંગાથ સોનેરી માળો હતો,
પથારીમાં પડખાં ઘસીને ફકત એની સળીઓ પીંખાતી રહી રાતભર … સનમ
ઊઠી કેવી આંધી સમયની કે મારો મૂકી હાથ, હાથેથી સરતો ગયો,
જીવનભર જડેલો ઝુરાપો બની મારી ‘ચાતક’શી આંખોમાં ઠરતો ગયો,
હથેળીમાં તારાં લખેલાં બધાં નામ અજાણે ભુંસાતા રહ્યાં રાતભર … સનમ
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર. દક્ષેશભાઇ, અભિનંદન.