Press "Enter" to skip to content

આપણી વચ્ચે હતી!


મિત્રો, આજે ખલીલ ધનતેજવીની સુંદર શેરોથી મઢેલી ગઝલ. સંબંધો સ્થપાતા વરસોના વરસ નીકળી જાય છે પણ એને તૂટવા માટે તો એક ક્ષણ જ કાફી છે. શંકા, અવિશ્વાસ કે સંદેહની એક ક્ષણ જ મંથરા બની જીવનમાં આવતી હોય છે. અને પછી શું પરિણામ આવે તે અનુભવવા રામાયણ જોવાની જરૂર નથી. આપણી આસપાસ એવા અનેક ઉદાહરણો મળી રહે છે. સહજીવનની કે પ્રણયની પ્રત્યેક પળને જાગૃતિથી, વિશ્વાસથી અને ભરોસાથી જીવવાનો અમુલખ સંદેશ એમાંથી સાંપડે છે.

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એકસાથ શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

– ખલીલ ધનતેજવી

4 Comments

  1. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 31, 2009

    નક્કી વિષ ઘોળાયું વ્હાલપના રસમાં કે અમીરસ લાગે ઝેરના ઘુંટડા જેવો …….

  2. Bharat Desai
    Bharat Desai August 1, 2009

    દક્ષેશભાઇ મીતિક્ષાબેન

    ખલીલસાહેબ માટે લખવા માટે મારી પાસે શબ્દો જ નથી..

    યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
    કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

    પુણ્યશાળી પાપની એકેક ક્ષણ……. ક્યા બાત હૈ બહુત અચ્છે…

  3. Pancham Shukla
    Pancham Shukla August 5, 2009

    યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
    કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

  4. Sunil Gandhi
    Sunil Gandhi December 10, 2009

    what a lovely idea ! maja aavi gayi… varamvar visit karishu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.