Press "Enter" to skip to content

મેઘધનુના ઢાળ પર


કવિ શ્રી રાજેન્દ્ર શુકલની આ અદભુત રચનામાં કોતરાયેલું છે પોતાના પ્રિયજનને મળવાનું આમંત્રણ. દુનિયા પ્રેમીઓ વચ્ચે ભલે દિવાલ ઊભી કરી દે, એમના પગમાં લોખંડી બેડીઓ પહેરાવી દે, અને હકીકતની દુનિયામાં તેઓ ભલે જોજનો દૂર હોય પણ સ્વપ્નની દુનિયામાં એમને મળતાં કોણ રોકી શકે છે ? કવિનો કલ્પનાવૈભવ ઝંઝાનીલો શાં ઝૂલશું કોઈ અગોચર ડાળ પર … માં છલકતો દેખાય છે. મિલનોત્સુક પ્રેમીની પોતાના પ્રિયજનને મેઘધનુના ઢાળ પર મળવાનું ઈજન આપતી આ સુંદર રચના આજે માણીએ.

પગલાંય બંધાઈ જતા પાક્કું ચણેલી પાળ પર,
મળવું જ છે તો મળ મને તું મેઘધનુના ઢાળ પર.

તું આવ એકી ફાળ આ લંબાયેલા કરને ગ્રહી,
મૂકી ચરણ ફુત્કારતા સો સો ફણાળા કાળ પર.

આ એક સેલારે અહીં ને એક સેલારે ત્યહીં,
ઝંઝાનીલો શાં ઝૂલશું કોઈ અગોચર ડાળ પર.

સોનાસળી સોનાસળી રમતાં રહે કોમળ કિરણ,
તડકો વિખેરાતો રહે ઝાકળ પરોવ્યા વાળ પર.

કૈં વેલબુટ્ટા ફુલપત્તી એક ભાતીગળ ગઝલ,
કૈં રેશમી શબ્દોનું આછું પોત વણીએ શાળ પર.

– રાજેન્દ્ર શુકલ

2 Comments

  1. Pancham Shukla
    Pancham Shukla July 27, 2009

    મને ખૂબ ગમતી કેટલીક ‘ગરવી’ રોમેન્ટિક ગઝલઓમાં આ ગઝલનું આગવું સ્થાન છે. બહુ વખતે ફરી માણી. આભાર.

  2. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 24, 2009

    પ્રેમસભર આ આંખોમાં મૃગજલ છલકે છે અને તસવીર મારી બની મેઘ ધનુષ્ય આકાશમાં તરે છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.