આગલી પોસ્ટમાં આપણે આદિલ મન્સૂરીની અમર કૃતિ ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ માણી. આજે એના પર આધારિત નિર્મિશ ઠાકર રચિત પ્રતિકાવ્ય માણો. આજકાલ વરસાદની મોસમ છે. તાપીનાં પાણી દર વરસે ચોમાસામાં સુરત શહેરમાં આંટો મારવા આવે છે. પણ બે વર્ષ પહેલાં આવેલ પૂરમાં જાનમાલની ભારે ખુવારી થયેલ. એ સમયના સંજોગોમાં નિર્મિશભાઈએ રચેલ આ સુરતી પ્રતિકાવ્ય (હુરટી પ્રટિકાવ્ય) વાંચીને મુખ પર મલકાટ ન આવે તો જ નવાઈ!
નડીની રેલમાં ટરટું નગર મલે નીં મલે,
ફરી આ ડ્રસ્ય સ્મૃતિપટ ઉપર મલે નીં મલે.
અરે કાડવ ઠહે ટો ઉગહે એમાં બી કમર,
પછી આ માટીની ભીની અસર મલે નીં મલે.
પરિચિટોને ડઘાઈને જોઈ લેવા ડેવ,
એ કરડાં ઠોબડાં, ટ્રાંસી નજર મલે નીં મલે.
બઢા ડૂબી ગીયાં રસ્ટાઓ, બારીઓ, ભીંટો,
ટમે બી ડૂબહો પછી આ ઘર મલે નીં મલે.
ઉટરહે પૂર, પછી ફાટવાનો પ્લેગ ટરટ !
પછી કોઈને કોઈની કબર મલે નીં મલે.
ટને બી લૈ ડૂબે – એવાની આંગરી નીં પકડ!
બચી જહે ટું, ભલે હમસફર મલે નીં મલે.
વટનમાં હું મલે કે માઠું ભરી ડેઉં ‘નિમ્મેસ’?
ટને કાદવ જે મયલો, ઉમ્રભર મલે નીં મલે.
– નિર્મિશ ઠાકર
હસી હસીને પેટ દુઃખી ગયુ; સુરતી ભાષા સમજે તેને મઝા પડી જશે બાકી બધાંને થશે કંઇ ભુલ તો નથી થાતી ને?
જન્મજાત સુરતી એવા મને ખૂબ મજા આવી ગઇ
સુરતી ભાષામાં આવું જ એક બીજું મજાનું ગીત રઇશ મણિયારે લખ્યું છે.
પન્નીને પહતાય ટો કે’ટો ની (પરણીને પસ્તાય તો કહેતો નહીં)
http://preetnageet.blogspot.com/2009/07/blog-post_20.html
ખુબ સુંદર પ્રતિગઝલ આપવા બદલ દક્ષેશનો આભાર તેમના હસ્તાક્ષરમાં વાંચેલુ..ખુબ હસાવી દીધાં હવે તો કોઈ હુરટી મલે તો બી હઝલ મલ્ટી હોય તેવું લાગે..આભાર
ગમગીન પળોને ધોઈ નાખતી કૃતિ.
હસ્યા વગર કોણ રહી શકે?
માઈનો લાલ શોધવો પડે.
હુરટી ભઈલા અભિનંદન.
ધન્યવાદ.
સાચુ કહું તો શીર્ષક વાંચીને એકાદ બે પળ માટે મને પણ થયું હતું કે લખવામાં ભૂલ છે. પણ આખી કવિતા વાંચીને મજા આવી. કવિ [કે પછી પ્રતિકવિ?] ને ધન્યવાદ.
.. ફરી બી આવું મૂક્ટા રહેજો.
નિમ્મેશભૈ તમે તમારી બોલીને ભાષામાં ઉતારો છો તેથી આ રીતે કાઠીયાવાડી બોલીને ભાષામાં ઉતારનારા સ્વ. હસમુખ ગાંધી અને શ્રી કાન્તી ભટ્ટ યાદ આવે છે.
ડુનિયામાં રેટા રેટા ઠયો ડેવાડાર મરીઝ
ઉટરી જહે ડેવું જો ડુનિયા ઉઢાર ડે – ( મરીઝ )
– Rushil Dodiya