Press "Enter" to skip to content

ઉમર ખૈયામની રુબાઈઓ – 7


મિત્રો, આજે ઘણાં દિવસ પછી ફરી એક વાર માણીએ ઉમર ખૈયામની રુબાઈઓ. ધર્મ-અધર્મ વિશે ઘણું લખાયું છે. બાહ્ય દેખાવથી ધાર્મિક હોવાનો દેખાવ કરતાં લોકો પર કટાક્ષ કરતી રુબાઈઓ આજે માણીએ. ઉમર ખૈયામ વિશે, રુબાઈઓ વિશે અને શૂન્યના આ અદભુત અનુસર્જન વિશે તથા અગાઉ પ્રસિદ્ધ થઈ ગયેલી રુબાઈઓ વાંચવા માટે અનુક્રમણિકા જોવાનું ભૂલશો નહીં.

ઓ શિખામણ આપનારા ! એટલો ઉપકાર કર,
ઇશ્વરી ઇન્સાફ પર મૂંગો રહી ઇતબાર કર;
વક્રદૃષ્ટા ! રાહ જે લીધો અમે સીધો જ છે,
ખોડ તારી આંખમાં છે; જા પ્રથમ ઉપચાર કર.
*
એક દી વારાંગનાને જોઇ ધર્મીએ કહ્યું –
“પુણ્ય મુકી પાપ કેરાં પોટલાં બાંધે છે તું”;
નાર બોલી, “હું તો જે દેખાઉં છું તેવી જ છું,
આપનું ભીતર જુઓ કે બાહ્ય જેવું છે ખરું ?”
*
કૈંક પોકળ સિદ્ધિઓના કેફમાં ચકચૂર છે,
કૈંકની નજરોમાં જન્નતની ખયાલી હૂર છે,
એ જ સૌ તારી નિકટ હોવાના ભ્રમમાં છે અહીં,
વાસ્તવમાં તારા આંગણથી જે ખૂબ જ દૂર છે.
*
કૈંક લોકો છે બિચારા ધર્મની પાછળ ખુવાર,
કૈંક છે શંકા-કુશંકામાં જ નિશદિન બેકરાર,
ભાન ભૂલ્યા એ બધાને કોઇ સમજાવો જરા,
ગેબથી આવી રહી છે ‘નેતિ’ ‘નેતિ’ની પુકાર.
*
આંખડી જ્યારે સદા માટે અહીં બીડાય છે,
હાથ તો હેઠા પડે છે, હોઠ પણ સીવાય છે;
આપશે ક્યાંથી ભલા ! તુજને અગમની એ ખબર ?
મોતના એક સ્પર્શમાં જે બેખબર થઇ જાય છે.

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

3 Comments

  1. Nikhil Darji
    Nikhil Darji July 3, 2009

    ખુબજ સરસ
    કિપ ઇટ અપ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.