આ રચના શાળામાં ભણવામાં આવતી હતી. પ્રસન્ન દાંપત્યજીવનનો અંત કોઈ એક પાત્રની વસમી વિદાયથી આવે છે. એ કાયમી વિદાયનો અવસર ગમે તેવા પથ્થરહૃદયી માનવને હચમચાવી નાખે છે. અહીં મૃત શરીરને જોતાં એને મનભરીને જોઈ લેવાના છેલ્લા અવસરે મૃત્યુની મંગલમયતા અને સુંદરતાના વિચારે કવિની સંવેદનાનું ભાવજગત પ્રસ્ફુટ થાય છે. અગ્નિની સાક્ષીએ ફેરાં ફરી કાયમ માટે એક સૂત્રમાં બંધાનાર એ જ અગ્નિની સાક્ષીએ વિખૂટાં પડે એ પળને મૌન ધારણ કરી, શાંતિ અને સ્વસ્થતાથી માણવાની શીખ ધરતું આ સુંદર કાવ્ય આજે માણો.
ધમાલ ન કરો, – જરાય નહિ નેન ભીનાં થશો,
ઘડી બ ઘડી જે મળી – નયનવારિ થંભો જરા,
કૃતાર્થ થઈ લો, ફરી નહિ મળે જ સૌંદર્ય આ,
સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!
ધમાલ ન કરો, ધરો બધી સમૃધ્ધિ માંગલ્યની,
ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;
ધરો કુસુમ શ્રીફલો, ન ફરી જીવને આ થવો
સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!
ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું,
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
મળ્યાં તુજ સમીપે અગ્નિ! તુજ પાસ જુદાં થયેં,
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી?
– રામનારાયણ પાઠક
પતિ દેવની હાજરીમાં અંતિમ વિદાય કોઈ ભાગ્યશાળી નેજ મળે અને તે પણ આટલી સુખ શાંતિથી .
હ્દયશ્પર્શી રચના..માણી… ધન્યવાદ રજુઆત માટે.. દક્ષેશ, ક્યાં છો આપ ?
બહુ જ સુંદર સૉનેટ.
અખંડ જ ભલે રહ્યું, હ્રદયસ્થાન તેનું હવે
ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે.
રા. વિ. પાઠકની ખૂબ જ સુંદર રચના !
જેટલી વખત વાંચી, હૃદયથી માણી છે .