મિત્રો, આજે એક સુંદર ગઝલ. બાળકની આંખોમાં જે નિર્દોષતા, સહજતા અને સરળતા હોય છે એ આપણે વાંચતા શીખી જઈએ તો પછી ધર્મગ્રંથોનાં થોથાં વાંચવાની જરૂર ન રહે. દંભ, કપટ અને કાવાદાવાથી ભરેલી આપણી જિંદગીમાં જો બાળસહજ સરળતા આવી જાય તો કેવું સારું ?
(આ ગઝલ મીતિક્ષા.કોમના વાચકો માટે મોકલાવવા બદલ ગૌરાંગભાઈનો ખાસ આભાર.)
મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા.
માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.
આંખ બાળકની વાંચવાની હોય,
શું ગીતા ને કુરાન લઈ બેઠા.
ચાલ ટહુકાનું પોટલું વાળી,
તીર ને એ નિશાન લઈ બેઠા.
પથ્થરો પીગળે છે ઝરણાંથી,
શું તમે ગુમાન લઈ બેઠા ?
ભીતરી સૂર સાંભળ્યો જ્યારે,
કંઠમાં એ જ ગાન લઈ બેઠા.
– ગૌરાંગ ઠાકર
પ્રસારી પાંખો ઉડવાને ચાહું છું જ્યારે નાનું પડે છે ઘણુંયે આકાશ….
બહુ જ મજાની વાત અને ખૂબ જ સારી રીતે કહેવાઈ છે. ગૌરાંગભાઈને તેમજ આપને ધન્યવાદ.