બ્રિટીશ સલ્તનત સામે જંગે ચઢેલ ભારતનું પ્રતિનિધિત્વ કરતાં round table conference એટલે કે ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા તે વખતે રાષ્ટ્રીય શાયર તરીકે પ્રસિદ્ધ થયેલ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ. આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજો મેળવવો હોય તો આ ગીત સાંભળવું જ રહ્યું. દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ ! સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !…. ઘણું બધું કહી જાય છે. આઝાદી પછી જન્મેલ દેશની મોટા ભાગની પેઢીને માટે ખજાના સમું આપણા પ્યારા કવિનું આ અણમોલ ગીત આજે સાંભળીએ.
*
*
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !
અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !
સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !
કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !
શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !
જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !
જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !
ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !
– ઝવેરચંદ મેઘાણી
હું મારી જાતને કવિ ઝવેરચંદ મેઘાણીના સમયમાં જન્મ ના લેવા માટે આખી જિંદગી કોસતો રહીશ. મનમાં થાય છે કે આવું લખનાર કવિ ભારતમાં જ થઈ શકે. ધન્ય છે તમોને .. કવિ મેઘાણી, તમે સાચે જ ગુજરાતનું ઝવેરાત છો.
વાહ મજા પડી ગઇ……….!!!!
My father has read this poem to me when I was very young and a year before he pass on. I wish he would have been here to hear it and explore your blog. He had introduced me to gujrati poems. Hats to you for bringing our treasure of Gujarati poetries in such unique way to us thristy chechaucks.
આટલા મોટા શાયર અને બાપુ વિશે લખવુ જાણે કે નાના મોઢે મોટી વાત … બાપુ તો ઝેર પચાવી ગયા ને અમૃત આપી ગયા પણ આપણે તે પચાવી ના શક્યા.
Hats off to Shri Zaverchand Meghani. Heard this lovely song in childhood. Once again heard after 50 years or so. Brought tears into my eye. Thanks to my friend Mr. Nitin Sharma who has recommend your website. I will treasure it in my heart and also recommend to visit this site to my friends all over. Kudos to website immaginator and constructor. You have done a great service to Gujarati Language
ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !
આઝાદી પછી જન્મેલ ભારત દેશના યુવાનોને આઝાદીના જંગ વખતે પ્રજાનો મિજાજ કેવો હતો, મરી મીટવાની- જાન ફના કરવાની કેવી તમન્ના હતી અને ગાંધીજી પ્રત્યે પ્રજાનો કેવો ભાવ હતો તેનો અંદાજ આપતી અમર કવિ ઝવેરચંદ મેઘાણીએ રચેલ આ અમર કૃતિ રજૂ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
એક જૂદી જ દુનિયામાં લઈ જવા બદલ અને અનોખો અનુભવ કરાવવા બદલ ધન્યવાદ. વારંવાર સાંભળવું અને બીજાને પણ સંભળાવવું ગમે એવું કાવ્ય.
અણમોલ ઐતિહાસિક નજરાણું.
આ કાવ્યની ઘણા સમયની મારી ઝંખના પૂરી કરવા બદલ આપનો ખૂબ આભાર !