Press "Enter" to skip to content

બસ, આજ વરસ તું અનરાધાર


મિત્રો, આજે મારી એક સ્વરચિત કૃતિ. આજકાલ ચોતરફ કાળઝાળ ગરમી, ગરમ લૂ, બફારો, અને ઉકળાટનું સામ્રાજ્ય છે અને જીવસૃષ્ટિની મીટ આકાશ ભણી મંડાયેલી છે. ક્યારે વર્ષાઋતુનું આગમન થાય અને આમાંથી છૂટકારો થાય. પરસેવાના રેલા ચાલતા હોય ત્યારે ધોધમાર વરસાદની કલ્પના કેટલી મનભાવન લાગે ! પણ અહીં વરસાદની કલ્પના કેવળ વર્ષાની બૂંદો પૂરતી સીમિત નથી, બલ્કે વિરહઘેલી પ્રિયતમા માટે પ્રિયતમના પ્રેમની કે પ્રેમઘેલી ગોપી માટે શ્રીકૃષ્ણના વેણુનાદની પણ છે. એ સૌને મન મૂકીને વરસવાનું આવાહન કરતી મારી આ રચના આપને ગમશે.
*

*
બસ …. આજ વરસ તું અનરાધાર.

તું ધરતીનો નાથ અને ધરતીપુત્રોનો બેલી છે,
તને વિનવવા જીવમાત્રએ લાજશરમને મેલી છે,
હોય રીસાવાના કારણ તો મનાવવા તૈયાર … બસ, આજ વરસ

કણકણ માટે તરસે ઊભી કીડીઓની કતાર અહીં,
ગોકળગાય ને મેડકની ગણનાનો કોઈ પાર નહીં,
મદમાં તારા કેમ તું એને ગણકારે ન લગાર ? … બસ, આજ વરસ

પનઘટની પ્યાસી હર રાધા કૃષ્ણ-શ્યામની ઘેલી છે,
અંતરના અંતરતમમાં માખણ-મીસરીની હેલી છે,
રેલાવી દે બંસરીધારે હર્ષનો પારાવાર … બસ, આજ વરસ

કોરી સાવ હથેળીમાં પતંગિયાની ખેતી છે,
શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,
રુમઝુમ પગલે ચાલી કરને અંતર-કેડી પાર … બસ, આજ વરસ

‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?
બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

21 Comments

  1. Jignesh shah
    Jignesh shah May 27, 2009

    ઘણો જ આનંદ થયો જાણી કે મારો મિત્ર એક સારો કવિ પણ છે.

  2. સુરેશ જાની
    સુરેશ જાની May 27, 2009

    બહુ જ સરસ ગીત . બહુ જ ગમ્યું .

  3. Chetu
    Chetu May 27, 2009

    કોરી સાવ હથેળીમાં પતંગિયાની ખેતી છે,
    શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,
    રુમઝુમ પગલે ચાલી કરને અંતર-કેડી પાર … બસ

    ખુબ જ સરસ …. દક્ષેશભાઈ…અભિનંદન

  4. Neela
    Neela May 27, 2009

    સુઁદર રચના

  5. કલ્પનાને નવપલ્લવિત કરતી સુંદર રચના- અભિનંદન

  6. Jayesh Upadhyaya
    Jayesh Upadhyaya May 27, 2009

    ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
    સરસ ગીત ગમ્યું

  7. Dr.Hitesh Chauhan
    Dr.Hitesh Chauhan May 27, 2009

    જય શ્રીકૃષ્ણ દક્ષેશભાઈ,

    સરસ રચના.
    ‘ચાતક’ની પિપાસા આ કાવ્યમાં પણ છલકાય છે.

  8. ગીત ગમ્યું…હવે, મિત્રતાના ભાવે બોલવું છું તમને “ચંદ્રપૂકાર ” પર …આવી વાંચો મારી પોસ્ટ “મિત્રતાના સ્નેહસબંધે “, અને જરૂર “પ્રતિભાવ ” પણ આપશો !

  9. Gaurang Thaker
    Gaurang Thaker May 27, 2009

    વાહ મઝા આવી….શમણાંના વૃંદાવનમાં બે પાંપણો ભેટી છે,

  10. Dr Bipin Contractor
    Dr Bipin Contractor May 27, 2009

    ‘ચાતક’ની શૈયા પર જોને આર્તનાદ છે પાણીનો,
    બેહિસાબ નિષ્ફળ શાને પોકાર એની વાણીનો ?
    બેખબર તું રહે હજીયે શાને એમ ધરાર ? … બસ, આજ વરસ તું અનરાધાર

    ખૂબ સુંદર!!! અંદાઝે બયાં ઓર… અભિનંદન.

  11. Rajiv
    Rajiv May 28, 2009

    ખુબ સરસ રચના

Leave a Reply to Chetu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.