મિત્રો, આજે એક સુંદર રચના જે શાળામાં ભણવામાં આવતી હતી. જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં જવાના પ્રસંગો જેના જીવનમાં બન્યા હશે તેમને આ કૃતિનો મર્મ સ્પર્શી જશે. ઘર એટલે ઘરમાં ગોઠવેલી નિર્જીવ વસ્તુઓ નહીં પરંતુ હૂંફાળી યાદો, સુખદુઃખના પ્રસંગો, પડોશીથી માંડી સ્નેહી મિત્રોની સ્મૃતિઓ. એમાંય જ્યારે એ ઘરમાં પોતીકું સ્વજન ગુમાવવાનું બન્યું હોય તો એવું ઘર ખાલી કરવાનું કેટલું અકારું લાગે તે તો અનુભવે તે જ જાણે. અહીં કવિને પોતાના વહાલસોયા પુત્રની સ્મૃતિઓ જાણે કહી ઉઠે છે કે મને અહીં મૂકીને ક્યાં ચાલ્યા ? અને બીજા ઘરે જવા ઉપડતા પગ પર પત્થર જડાઈ જાય છે. લાગણીથી ભીંજાયેલ આ સોનેટ આજે માણો.
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસું:
જૂનું ઝાડૂ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જે મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી તે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!
– બાલમુકુન્દ દવે
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો.
Everybody has different memories. and mine is best expressed in this line. Leaving a place which was YOUR HOME one day is painful in any condition.
Thanks a lot.
વરસો પહેલા જ્યારે અમે નવા ઘરમાં રહેવા ગયા હતા, મારી બહેનની યાદોને પાછળ મુકીને …દિલ ભરાઈ આવ્યું.
– સપના
૫૫-૬૦ વર્ષ પહેલા માણેલી આ કવિતાની
નૉસ્ટેલજીક યાદ તાજી થઈ
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી તે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?
…ત્યાર બાદ અનુભવેલી વાત!
ખૂંચી તીણી સજલ દગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા!
————————————
લાગે છે નજીકના ભવિષ્યમા પોત્ર-પૌત્રીઓ અનુભવશે!!
આભાર દક્ષેશભાઇ. હમણાં જ થોડી ક્ષણો માટે મારા દીકરાને ભેટીને આવ્યો. મન હળવું થઇ ગયું.
આભાર
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જયાંથી તે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયા, એક ભૂલ્યાં મને કે?
શાળામાં અભ્યાસક્રમના એક ભાગ રૂપે વાંચેલી આ કવિતાને આજે વર્ષો પછી એક પુત્રના પિતા બન્યા બાદ લાગણીની દૃષ્ટિએ વાંચી તો ભાવવિભોર થઇ ગયો.