મિત્રો, આજે બક્ષી સાહેબની એક સુંદર ગઝલ. પ્રેમ એક એવો સંબંધ છે જેને કોઈ લેબલની જરૂર નથી પડતી. પ્રેમ એ જ સૌથી મોટું લેબલ છે. લોકો પ્રેમમાં પડેલા વ્યક્તિને પૂછે છે કે એની સાથે તમારો શું સંબંધ છે ? … તો જવાબ શું હોય ? શું ઝાકળને ફુલ સાથે કોઈ સંબંધ છે ? શું મેઘને ધરતી સાથે કોઈ સંબંધ છે ? શું રાધાને કૃષ્ણ સાથે કોઈ સંબંધ હતો ? કવિ પોતાના પ્રિયતમ માટે એવું ઈચ્છે છે કે એને પણ લોક એવું પૂછે … કદાચ એવું પૂછવું એ પ્રેમનો અહેસાસ અને એકરાર કરાવવામાં નિમિત્ત બને.
ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ
તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ
ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ
કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ
ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી
ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.
ખૂબ સુંદર ગઝલ !
૨૮/૩ શનીવારે ” એક કવિ એક સાંજ ” અન્વયે વડોદરામાં
શ્રી જવાહર બક્ષીને પ્રત્યક્ષ સાંભળ્યા- દિલથી માણ્યા.
મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ
આફરીન……
આલ્બમ : લાગણી
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ