આદિલ મન્સૂરીની પ્રસ્તુત ગઝલમાં ઘણી સુંદર વાત રજૂ થઈ છે. જીવનભર જે સંબંધોને આપણે સાચવવા મથીએ છીએ એ બધાં જ અંતિમ શ્વાસ આવતાં તકલાદી નીવડે છે. જીવે એ સૌને છોડીને ચાલી નીકળવું પડે છે. એવી જ રીતે ઈચ્છાઓના મૃગજળ પાછળ દોડતા રહીએ છીએ પરંતુ એ માયાજાળમાં રહ્યા પછી પણ હાથ કાંઈ આવતું નથી અને ઈચ્છાઓની તૃપ્તિ થતી નથી. એ તરસ તો ચાલુ જ રહે છે. ભર્તૃહરિના વૈરાગ્યશતકમાં કહ્યા પ્રમાણે ભોગોને ભોગવવા જતા આપણે જ ભોગવાઈ જઈએ છીએ અને કાળ આપણો કોળિયા કરી જાય છે. એવી જ સુંદર વાત રજૂ કરતી આ અર્થસભર ગઝલ આજે માણીએ.
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોમાંથી કોઈ ચહેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.
– આદિલ મન્સૂરી
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
ખૂબ ઉત્તમ આલંકારિક રચના. કોઇ આ ગઝલને સ્વરબધ્ધ કરે તો મજા આવી જાય!
જોઇ જોઇ ને આયનામાં ચ્હેરોતો ઘસાઈ ગયો પણ આયનામાં ઘસરકો એ કે ય નથી… દુનિયા તો એવી ને એવી જ રહેશે ફક્ત આપણે જ ચાલી નીકળવાનુ છે .