Press "Enter" to skip to content

ટામેટા રાજ્જા


તમે કદી ફ્રીજમાં મૂકેલા ટામેટા વિશે વિચાર્યું છે ખરું ? આપણને લાંબા દિવસો સુધી તાજું રહે એવું બધું જોઈએ છે પણ એ માટે ખાદ્ય પદાર્થોને કેવી યાતનામાંથી પસાર થવું પડે છે એની આછી ઝલક આ કાવ્યમાંથી મળશે. બિચારા ટામેટાંને એની સરસ હૂંફાળી દુનિયા છોડીને ફ્રીજની અંદર અંધારામાં અને ઠંડીમાં ગોંધાઈ રહેવું પડે છે. આપણા જીવનમાં આવી તો કેટલીય કૃત્રિમતા પેસી ગઈ છે. ક્યાં ઝાડ પરથી પથરાં મારી કે ચઢીને તોડી લઈ કેરી ખાવાના દિવસો અને ક્યાં તૈયાર પાઉચ કે ટીનમાં કેરીના (અને કદાચ પપૈયાના રસ સાથે મેળવેલા) તૈયાર રસને ખાવાના આ દિવસો. સગવડ અને આધુનિકતાને નામે આપણે કેટકેટલું ખોયું છે ….

કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી, ઝટ પ્હેરાવો બંડી.

આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકોદડકો,
મીઠ્ઠો મીઠ્ઠો મને લાગતો એ સવારનો તડકો.

અહીંયા તો બસ ઠંડી, ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું ? જેમાં નથી હૂંફનું નામ.

ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળાભાઈએ ટામેટાને ટપાક્ ટપલી મારી.

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર !

ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો !

– કૃષ્ણ દવે

4 Comments

  1. Jigisha desai
    Jigisha desai May 8, 2010

    Very good balgit sir ,you came at our ptc college salval in past we still have those remembers please come again.

  2. Niranjan
    Niranjan August 1, 2009

    સરસ બાલગીત.. વધારે બાલગીતો મુકવા વિનંતી.

  3. Ashok Mehta
    Ashok Mehta April 7, 2009

    Cannot open this song.

    [There is no audio for this song. – admin]

  4. સરસ મજાનું બાળગીત અને સાથે છુપાયેલો આજની કૃત્રિમ દુનિયાનો ગૂઢાર્થ. સરસ રજૂઆત. અહીં મને ટમેટાની જગ્યાએ આજનું બાળપણ દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.