દોસ્તો, આજે ઉમર ખૈયામની થોડી વધુ રુબાઈઓ માણીએ. ઘેરા તત્વજ્ઞાનથી સિંચાયેલ આ કડીઓ વારંવાર વાંચીએ તો જીવનનો મર્મ સમજાય એમ છે. મૂળ ફારસીમાં લખાયેલ અને ઉમદા ચિંતનથી ભરેલ આ રુબાઈઓ આપણને ગુજરાતીમાં વાંચવા મળે છે તે શૂન્ય પાલનપુરીએ કરેલ ભાવાનુવાદને આભારી છે. આમ તો બધી જ રુબાઈઓ મને ગમે છે પણ અહીં સૌથી પ્રથમ મૂકેલી મને ખુબ ગમે છે. તમને પણ ગમશે એવી આશા છે.
(અગાઉ મુકાઈ ગયેલ રુબાઈઓ વાંચવા અનુક્રમણિકામાં જુઓ.)
બોજ ગમનો મારા દિલ પરથી હઠાવી લે પ્રભુ,
એબ ઢાંકીને બૂરાઇથી બચાવી લે પ્રભુ;
કાલ તું દેજે સજા તારી દયાને છાજતી,
આજ કિંતુ મુજ દુઃખી મનને રિઝાવી લે પ્રભુ !
ખોલ મંગળ દ્વાર કે એ ખોલનારો તું જ છે,
ચીંધ સીધો રાહ કે રહેબર અમારો તું જ છે;
એટલે તો આશરો અમને ખપે ના કોઇનો,
છે બધાં ફાની, ફકત કાયમ સહારો તું જ છે.
કીટ ની કમજોર કાયા તુજથી બળ-ભરપૂર છે,
કીડીઓની સૂક્ષ્મ આંખોમાં ય તારું નૂર છે;
તું જ છે લાયક પ્રભુતાને સકળ સંસારમાં –
જેટલા અવગુણ છે, સૌ તારાથી ખૂબ જ દૂર છે.
જેની એક મરજી ઉપર ચાલે છે ઋતુનો કારભાર,
એ તો છે ત્રિકાળ-જ્ઞાની, સૌના મનનો જાણકાર;
તું ફરેબ આપી શકે દુનિયાને પણ એને નહીં,
છે સકળ સંસારની નસનસથી એ વાકેફગાર.
પંચ તત્વોનો ખુલાસો ધ્યાનથી સુણ બેખબર,
એક પચરંગી તમાશો છે આ તારું જીવતર;
દેવ, દાનવ, ઇશ, માનવ કે પછી કોઇ પશુ,
જે થવું હો થા કે સૌ નિર્ભર છે તારાં કર્મ પર.
– ઉમર ખૈયામ (ભાવાનુવાદ: શૂન્ય પાલનપુરી)
મને તો છેલ્લી બહું ગમી..રુબાઈ મારા માટે નવીન પ્રકાર છે..સુંદર રચના મૂકી છે અહી..આભાર