આજે હરિશ મિનાશ્રુની એક સુંદર અર્થસભર રચના માણીએ. જ્યારે કંઈ ખબર ન પડતી હોય ત્યારે મૌન રાખવામાં શાણપણ હોય છે. તો જ્યારે બધું સમજાય ચુક્યું હોય, અનુભૂતિની સીમા પર પહોંચી ગયા હોઈએ ત્યારે વ્યર્થ શબ્દોનો બગાડ કરવાનું મન થતું નથી અને મૌન સહજ થઈ જાય છે.
જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું સાધો,
કબરની સાદગીથી ઘર હવે શણગારવું સાધો.
સમજ પડતી નથી તેથી બીડ્યા’તા હોઠ સમજીને,
બધું સમજી ચૂક્યાં તો શું હવે ઉચ્ચારવું, સાધો.
તને મજરે મળી જાશે રુદનની ક્ષણ બધી રોશન
ગણતરી રાખી શીદ એક્કેક આંસુ સારવું, સાધો.
અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને.
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો.
સિતમનો હક બને છે એમનો શું થાય ? સ્નેહી છે.
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સાધો.
સમય ને સ્થળનો વીંટો વાળીને એને કર્યો સુપરત,
બચ્યો છે શબ્દ જેને આશરે હંકારવું, સાધો.
– હરીશ મિનાશ્રુ
હરીશ મિનાશ્રુ ની સુંદર રચના “સિતમ નો હક બને છે એમનો શું થાય ? સ્નેહી છે.
કદી ગુસ્સો ચડે તો ફૂલ છુટ્ટું મારવું, સધો.”
ગઈકાલની નરસિંહ્રા્વ દિવેટિયા ની બહુ જ જાણીતી અને લોકપ્રિય પ્રાર્થના
“મંગલ મંદિર ખોલો દયામય………” પણ બહુ ગમી.
આપણી મતૃભાષામા આટલુ સુંદર સાહિત્ય પીરસવા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન!
દિનેશ પંડ્યા
“અગર ધાર્યું ધણીનું થાય છે તો બેફિકર થઇને.
અમસ્થી આંખ મીંચીને ગમે તે ધારવું, સાધો.”
સમર્પિત સાધકની અનોખી ખુમારીનું સુંદર શબ્દચિત્ર. આભાર.