માતાની મમતાળુ ગોદ આગળ વિશ્વના બધા વૈભવો તુચ્છ છે. જ્યારે માનો આશીર્વાદ આપતો વરદ હસ્ત કે હસતો ચહેરો માત્ર ફોટામાં મઢાઈ જાય છે ત્યારે જે વિવશતા એના સંતાનો અનુભવે એને વર્ણવવા માટે શબ્દો ટાંચા પડે. ખુબ સરળ શબ્દોમાં મા વિશે એવી કેટલીય અદભૂત લાગણીઓ અભિવ્યક્ત કરતી આ સુંદર ગઝલ આજે માણીએ. રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા તથા ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા – એમાં સંવેદનાઓ શિખર પર હોવાનો અહેસાસ થાય છે.
થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.
આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.
-અશોક ચાવડા ‘બેદિલ’
અત્યન્ત લાગણીશીલ કવિતા. મોટાભાગે આપણે બહુ મોડું માનું મૂલ્ય સમજીએ છીએ….
આભાર! આવુ સુંદર ગીત રજુ કરવા બદલ! ખાસ અભિનંદન રચનાકારને.
“મા”થી દૂર રહેવાની સજાનું આબેહૂબ વર્ણન હ્રદયના તાર ઝણઝણાવી જાય છે.
આટલુ સરસ હૃદયસ્પર્શી કાવ્ય એક મા ના રતન દ્વારા જ લખાય. મા ની લાગણી તો અવર્ણનીય છે. કોઇ સુંદર સ્વરમાં મઢી શકો તો ઉત્તમ કૃતિ બનશે.