Press "Enter" to skip to content

પંખી


આજે રાવજી પટેલની એક સુંદર રચના જેમાં એક પંખીની વાત કરી છે. પરંતુ આ બે પાંખ અને બે આંખવાળું સામાન્ય પંખી નથી પરંતુ મારા ને તમારા વિચારોના વૃક્ષમાં અટવાતા, પ્રિયજનના ચહેરા પર મલકાતાં તથા રાત વેરણ બની જતાં મનના આંબાની ડાળે ટહુકાતા મનપંખીની વાત છે. અંતિમ પંક્તિમાં શ્વાસોની આવનજાવનને પંખીની સજીવતા સાથે સરખાવી કવિએ જીવંતતાનો કેટલો મધુરો અહેસાસ કરાવ્યો છે!

કદી આંખમાંથી ઊડી જાય પંખી
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.

અટારી નીચે વૃક્ષ ઊગ્યું;તું મનમાં.
વિચારો થઈ આજ અટવાય પંખી.

કરી પાંખ ફોળી ઉભય ગાલ ઉપર
તમારા ચહેરાનું મલકાય પંખી.

નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાકયું.
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.

પણે ડાળ આંબાની ટહુકયા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.

હજી જીવું છું કારણ છે એક
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

– રાવજી પટેલ

2 Comments

  1. pragnaju
    pragnaju January 18, 2009

    ખૂબ સરસ
    યાદ આવ્યા
    પગ થઈ જાતા પવનપાવડી,
    હાથ બન્યા હલ્લેસાં;
    મીટઅમીટે એ જગ જોવા, ….
    વિચારો થઇ આજ અટવાય પંખી.
    લીલા-સૂકા જંગલ વચ્ચે
    કાબરચીતરા રહીએ,
    નભમાં ઊડતાં સાંજ પડે તો
    સોનલવરણાં થઈએ,

    રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
    અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

  2. કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી"
    કેતનકુમાર કાંતિલાલ બગથરિયા "રાહી" August 22, 2022

    ઉગતા રવિને પૂજતી દુનિયા,
    આથમતાને કોણ પૂછે છે?

    વાહ વાહ કલબલાટ સવારે,
    સાંજને ક્યાં કોઈ સજાવે છે?

    ઊગતો સૂરજ જોમ નવો,
    સાંજ થાકી ઢીમ છે!

    રાત કાળી દીવે ઉજાગર,
    દીવો ફૂંકે ઓલવાઈ છે!

    પંખી વિંધે ડાળી એવી,
    જ્યાં લીલાશ ખુબ છે,

    માણસ પાડે તાળી જ્યાં,
    આશા પોસાય જાય છે,
    કેતનકુમાર કાંતિલાલ બગથરિયા”રાહી”

    ગજબ ખેલ આ માનવીનો,
    મતલબે જીવ શણગારાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.