ભોયે ચીતરેલ બધા મારગને ચાતર્યા મેં દરિયામાં ઝંખી નહીં નાવ,
તળિયેથી મારામાં જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ
આંખમાં ઉજાગરા તો અવનીને હોય નથી સૂરજની રાત ક્યાંય થાતી
ચરણો તો કોક વાર થાકે રોકાય કોઇ રોકી શકાય નહીં છાતી
અણજાણી વાર ક્યાંક રણના મુકામ અને વગડાઓ બોલાવે આવ
રોમ રોમ જાગતી થઇ છે એક વણજારે ગાળેલી વાવ …
મેં જ મને કોઇ દિવસ ભાળ્યો ન હોય એવી વાયકા સમાન મારું હોવું
મારામાં ક્યાંક એક આદમી વસે ને ક્યાંક રેતભરી આંધીનું ટોળું
વાદળ વસે તો કહું વરસી પડો ને કોક માળો કરે તો કહું ગાવ
મારામાં રોમરોમ જાગતી થઇ છે કે એક વણજારે ગાળેલી વાવ
– ધ્રુવ ભટ્ટ
વાહ સિવાય શું કહેવાય ? આભાર બહેના !