[ પરિવર્તનના આ યુગમાં જન્મસ્થાનમાં જ આખી જિંદગી વીતાવવાનું સદભાગ્ય ભાગ્યે જ કોઈકને મળે છે. જ્યારે પોતાના માદરે વતનને છોડીને બીજે જવાનું થાય છે ત્યારે આંખો ભીંજાય એ સ્વાભાવિક છે, પરંતુ વરસો પછી જ્યારે વતન પાછા ફરવાનું થાય ત્યારે દૃશ્યપટ આગળ અનેકવિધ સ્મૃતિઓ સળવળી ઉઠે. એ સમયના ભાવજગતનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયું છે. ]
વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો
ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો
આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો
થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો
આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો
– ડૉ. જગદીપ નાણાવટી
આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો
સાચી વાત છે. આપણે આપણા જ્ન્મસ્થાનમાં રહી શકતા નથી અને આ કૃતિ વાંચીને સ્મરણ વાગોળવાનું મન થઈ આવે છે. બહુ સરસ.