Press "Enter" to skip to content

કહેવાય નહીં

ગુજરાતી ગઝલકારોમાં શિરમોર સમા અમૃત ઘાયલ સાહેબની આ રચના ખુબ પ્રસિદ્ધ છે. શબ્દોને ભાવના ટાંકણે ટીચી ગઝલની મૂર્તિનું સર્જન કરનાર આ અનોખા શાયરની ખુમારી એમના એકેક શેરમાંથી ટપકે છે. જીવનભર દર્દ સહન કર્યા પછી ‘હર્ષનો માર્યો મરી જાય તો કહેવાય નહીં’ કહીને એમણે હૃદયનું દર્દ કેટલી ખૂબીથી રજૂ કર્યું છે ! આપણે એટલું જ કહી શકીએ કે ઘાયલ સાહેબ, તમને સલામ !

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોકનો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં

– અમૃત ઘાયલ

2 Comments

 1. Ashwin-Sonal
  Ashwin-Sonal August 10, 2008

  એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
  દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

  આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
  ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

  સાચી વાત છે .પણ આ વાંચી ને બગડી જાઉં તો કઈ કહેવાય નહી અને તમારા પર ફીદા થઈ જાઉં તો કઈ કહેવાય નહી. સલામ ઘાયલ સાહેબને અને તમને પણ કે તમે અમારી સમક્ષ લઈ આવ્યા.

 2. pragnaju
  pragnaju August 14, 2008

  સર્વાગ સુંદર ગઝલ
  “આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે, કહેવાય નહીં
  એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે, કહેવાય નહીં “
  – રમેશ પારેખના આ શેર બાદ કહેવાય નહીં પર આટલી રચનાઓ લખાઈ હતી!

  ક્લીકે ક્લીકે પાનાં ખૂલતાં , પાને પાને શબ્દ વિલસતા,
  સર્જનના આ શબ્દ, આપણા શ્વાસોને મ્હેંકાવી દે, કહેવાય નહીં !
  -સુરેશ જાની

  ફુલો પણ શૂળ સમ દર્દ દે તો કહેવાય નહીં
  અંગારમાં શીત હીમ નુ મળે કહેવાય નહીં

  લલાટે લેખ જાણે કેવા લખ્યા વિધાતાએ
  અઢળક અમીરી છતા અમીર કહેવાય નહીં

  પાતાળે બેઠા ત્યાં સ્વર્ગદ્વાર દેખાયે કદીક જો
  પ્રભુ કૃપા આવી હોય એવુ તો કહેવાય નહીં

  દિકરા બની આવ્યા અને દિકરા જણ્યાં છતા
  વાંઝીયા મેણા લમણે ઍવુ તો કહેવાય નહીં

  અપેક્ષાઓનો ઉત્પાત છે આ બધો ‘વિજય્’
  કીનારે આવેલુ વહાણ ડુબે તો કહેવાય નહીં
  -વિજય શાહ

  ઊર્મિનાં ઝરણાંઓ કયારે ઝાંઝવા બને કહેવાય નહીં,
  ઝાંઝવાનાં રણમાં કયારે ફૂટે ઊર્મિ-ઝરણ કહેવાય નહીં.

  પ્રણયમાં હજીયે મળે છે મને એક એની ઉપેક્ષાનું દર્દ,
  એના બારણા પણ ક્યારે એ વાસી દે કંઇ કહેવાય નહીં.

  જીવનની આ અશોકવાટિકા ત્રિજટાવિહોણી થઇ છે હવે,
  અશોક પણ ક્યારે સીતાને દઇ દે અંગાર, કહેવાય નહીં.

  મનસૂબો કર્યો છે સૂર્ય અને ચંદ્રએ, ગ્રહણને ન ગ્રહવાનો,
  ટમટમતાં તારલાઓને હવે લાગે ગ્રહણ તો કહેવાય નહીં.

  છે આખરે તો બુધ્ધિજીવી વર્ગનું એક પ્રાણી- આ માણસ,
  પાનખરમાં પણ કદીક મહેંકાવે વસંતને, કહેવાય નહીં

  માનવીનો છે ક્યાં ભરોસો? બનાવે છે એ ખુદનેય અહીં,
  ભગવાનને પણ ક્યારે એ બનાવી દે, કંઇ કહેવાય નહીં.

  અચરજ છે, ફૂટતાં ક્યાંથી આ ઝરણાં શબ્દોનાં આપમેળે?
  ઊર-પાતાળે જ કોક’દી એ સૂકાઇ જાય તો કહેવાય નહીં.

  ઇચ્છા તો છે કે સદા ભરતી જ રહે મુજ ઊર્મિના સાગરમાં,
  પણ તારી ઊર્મિમાં ય હવે ક્યારે આવે ઓટ કહેવાય નહીં.
  – ઊર્મિસાગર્

  ચાઁદ હથેળીમા બતલાવી દે તો કહેવાય નહીઁ..
  ઈદ પહેલાઁ જ ઈદ કરાવી દે તો કહેવાય નહીઁ.

  આમતો હજરતે શેખ પર ભરોસો છે સો ટકા,
  પરણેલી સાથે પરણાવી દે તો કહેવાય નહીઁ.

  રાત્રિના અન્ધકારમાઁ તમે શુઁ આપ્યુઁ મુજને પ્રિયે,
  ફૂલની જગ્યાએ કંટકો પકડાવી દે તો કહેવાય નહીઁ.

  બુઢ્ઢીઓ પણ બ્યુટી પાર્લરમા જતી થઈ ગઈછે હવે,
  ઘોડી ઘરડી ને લગામલાલ પહેરાવી દે તો કહેવાય નહીઁ.

  લાજ રાખવા એ ઘડપણની આપણી સાચે ‘વફા’
  મ્રુત્યુ પહેલાઁ જ મિત્રો દફનાવી દે તો કહેવાય નહીઁ.

  – મોહમ્મદઅલી ભૈડુ,વફા’ વગેરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.