Press "Enter" to skip to content

બિઝનેસ કરે છે


કૃષ્ણ દવેનો પરિચય આપવાનો ન હોય. જેમ સમય મોર્ડન છે, તેમ સાહિત્ય પણ મોર્ડન થવું જોઈએ, રચનાઓ સમયની સાથે તાલ મેળવે એવી થવી જોઈએ એમ માનનારા કૃષ્ણ દવે એમની અનેકવિધ અછાંદસ રચનાઓ માટે પ્રસિદ્ધ થયા છે. માણો અહીં એમની કૃતિ જેમાં માણસ બધી જ વાતમાં ધંધાકીય દૃષ્ટિકોણ અપનાવીને બધી જ વસ્તુઓને બીઝનેસ બનાવી દે છે એની પર કટાક્ષ રજૂ થયો છે.
*
પતંગીયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખીને,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

શબ્દ, શબ્દને વાટી વાટી, અર્થોનું કેમીકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

ચક્મક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતા હસતા
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

– કૃષ્ણ દવે

6 Comments

  1. Sandip Dave
    Sandip Dave November 20, 2009

    પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા ચન્દ્ર ગણાવી,
    વાદળ ફુટપટ્ટીથી માપે, માણસ છે, બીઝનેસ કરે છે.
    આ બે પંક્તિ ખુબ ગમી.

  2. Sandip Dave
    Sandip Dave November 20, 2009

    very very good.

  3. Asha Bhakta
    Asha Bhakta August 8, 2008

    its very good thank u

  4. Ashwin-Sonal
    Ashwin-Sonal August 7, 2008

    કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
    માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

    સંબંધોની ફાઇલ રાખીને ચહેરા પર સ્માઇલ રાખીને,
    લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બીઝનેસ કરે છે.

    બહુ સરસ દક્ષેશભાઈ. આ સુન્દર ખજાનો અત્યાર સુધી ક્યાં છુપાવી રાખ્યો હતો ?

  5. મારા બ્લોગ લાપાળીયામાં બ્લોગ જગતની યાદીમાં આપના બ્લોગનો સમાવેશ કર્યો છે. ખરેખર ખુબ સરસ બ્લોગ.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.