[ અછાંદસ રચનાઓના માધ્યમથી અવનવિન ભાવજગત સર્જવા માટે જાણીતા કૃષ્ણ દવેની આ સુંદર રચના એક અનોખા વિરોધાભાસને પ્રગટ કરે છે. મંદિરમાં ઈશ્વરની મૂર્તિની સેવાપૂજા થાય, એને ભોગ ધરાવાય, રંગબેરંગી વસ્ત્રો પહેરાવાય … પરંતુ મંદિરની બહાર વાસ્તવિક જગત કેવું છે એ તો સહુ જાણે છે. કવિએ એ વૈષમ્યને અનોખી રીતે ધાર કાઢી વાચા આપી છે. ]
મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે ?
સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
– કૃષ્ણ દવે
જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે ?
…નગ્ન સત્ય છે અને આપણે સ્વીકારવુ પડે અને સહજ સામનો કરવો પડે છે
આભાર! દક્ષેશભાઈ, આ સાઈટ પર આવું ઉત્તમ કોટિનું સાહિત્ય પીરસવા બદલ !! ગણિત-વિજ્ઞાનમાં રસ ધરાવતા મને સાહિત્યમાં રસ લેતો કરવા બદલ આભાર !! દવે સાહેબે કડવી વાસ્તવિકતા પર સરસ કટાક્ષ કર્યો છે. ધન્યવાદ !!!