Press "Enter" to skip to content

ક્યારેક તો

[ આપણે સહુ જાણીએ છીએ કે વીતેલો સમય કદી પાછો આવતો નથી, પરંતુ કવિ કોનું નામ ? એ કલ્પનાના ગગનમાં વિહરે છે, શક્યતાનું દ્વાર એણે બંધ નથી કરવું.  લક્ષ્યની પાછળ દોટ મૂકનાર માનવી પણ એવી આશાને સહારે જ જીવતો હોય છે કે ક્યારેક તો એની તલાશ પૂરી થશે, પછી ભલેને એને માટે સમયનું ચક્ર ઉલટું ફેરવવું પડે. બાણથી પંખી હણાય છે પણ કવિનો કલ્પનાવૈભવ તો જુઓ ! એ વિચારે છે કે ભાથામાં કેદ પડેલા બાણને એણે આઝાદી અપાવી … વિચારોના નાવિન્યથી ઓપતી આ ગઝલનો આસ્વાદ માણો. ]

જે સમય ચાલ્યો ગયો એ આવશે ક્યારેક તો,
એ ગલી, એ ઘર, મને બોલાવશે ક્યારેક તો.

એક પડછાયો સતત એવું વિચારી દોડતો,
આ જ રસ્તે ભીંત એની આવશે ક્યારેક તો.

જાત હોમીનેય પંખી કામડીની કેદથી,
બાણ જેવા બાણને છોડાવશે ક્યારેક તો.

એ જ આશા પર નિરંતર રણ હજી જીવ્યે જતું,
માછલીને ઝાંઝવામાં ફાવશે ક્યારેક તો.

વૃક્ષ કેવળ ફળ તને બેસે જ એવું કંઈ નથી,
છાંયડો પણ બીજ એનું વાવશે ક્યારેક તો.

એમ સમજી હું સમયની બંધ મુઠ્ઠી રાખતો,
કોઈ આવી આંગળી ખોલાવશે ક્યારેક તો.

– ધૂની માંડલીયા
 

2 Comments

  1. Ashwin-Sonal
    Ashwin-Sonal July 12, 2008

    એમ સમજી હું સમયની બંધ મુઠ્ઠી રાખતો,
    કોઈ આવી આંગળી ખોલાવશે ક્યારેક તો…

    બહુ સરસ. આવું આપતા રહો.

  2. Mitesh Soni
    Mitesh Soni September 1, 2014

    પ્રેમ એ પ્રતીક્ષાનું રૂપ લઈને આવેે છે. તમારી આ ગઝલમાં પ્રતીક્ષાને મિલન કરતાં પણ વધારે ચડિયાતી બતાવીને તમે, હે ધૂની માંડલીયા, તમે પ્રેમને એક નવી ઊંચાઈ બક્ષી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.